મુંબઈઃ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાંથી મુંબઈગરાને છુટકારો મળે એ માટે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બાબતે આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડબલ ડેકર ટનલના વિકલ્પ પર વિચાર કરવા મુદ્દે સનદી અધિકારી અને ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરનારા નિષ્ણાતો મંત્રણા કરીને એ બાબતનો અહેવાલ રજૂ કરે એવો આદેશ શિંદે દ્વારા આ બેઠકમાં આપવામાં આવ્યો હતો.
આજે વર્ષા પર આ અંગેની બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈમાં વધી રહેલી ટ્રાફિક જામની સમસ્યા અને તેની પરના ઉપાય, પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાધાન્ય આપવા બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. મલ્ટિ મોડેલ ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક ટનલના માધ્યમથી તૈયાર કરવામાં આવે એ બાબત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું.
મુંબઈ માટે મલ્ટિડેક ટનલ એ સમયની જરુરિયાત બની ચૂકી છે અને એ માટેનો અભ્યાસ કરવા માટે મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર આઈ.એસ.ચહલ, એમએમઆરડીએના કમિશનર શ્રીનિવાસન, મુંબઈ મહાપાલિકાનાં એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ ટેક્નિકલ ટીમ સાથે બેઠક યોજીને આ મુદ્દાની ચર્ચા કરે. આ બેઠકનો અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન શિંદે દ્વારા આપવામાં આવ્યો હતો.