વિદેશી વેબસાઈટનો દાવો પારો એક આંકડામાં જશે: કોલાબા વેધશાળાનો ખુલાસો આવી શક્યતા નથી, પરંતુ ઠંડી ૧૫ વર્ષનો વિક્રમ નોંધાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ અને પુણે શહેરમાં ૨૫મીથી ૨૯મી સુધીમાં ઠંડી નવો વિક્રમ નોંધાવશે એવા કેટલાક દિવસથી વહેતા થયેલા સંદેશાને પાયાવિહોણા ગણાવતાં કોલાબા વેધશાળાએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મુંબઈમાં ઠંડી આ દિવસોમાં વધવાની શક્યતા તો છે, પરંતુ ગરમીનો પારો એક આંકડામાં જવાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની કોઈ શક્યતા નથી. મુંબઈમાં પારો ઓછામાં ઓછો ૧૨ ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી ફરી ઠંડક વ્યાપી ગઈ છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી મુંબઈગરાએ ફરી સ્વેટર-શાલ પહેરવાની નોબત આવી હતી. વચ્ચે બે-ચાર દિવસ તાપમાન વધી જતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું હતું. જોકે બે-ત્રણ દિવસથી ફરી ઠંડી વધી રહી છે.
સોમવારે લઘુતમ તાપમાનનો પારો ૧૫.૬ ડિગ્રી તો મહત્તમ તાપમાનનો પારો પણ ૨૬.૫ ડિગ્રી જેટલો નોંધાયો હતો. તેથી વાતાવરણમાં વધુ ઠંડક જણાઈ હતી. સોમવારે પુણેમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને નાશિકમાં ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. આ બે શહેરો કરતા પણ મુંબઈમાં મહત્તમ તાપમાન ઓછું નોંધાયું હતું.
તો આગામી દિવસમાં તાપમાનનો પારો હજી નીચે ૧૨ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા હોવાથી મુંબઈગરાને કડકડતી ઠંડી માણવા મળવાની છે. ત્યારે આગામી દિવસોમાં મુંબઈમાં તાપમાનનો પારો એક આંકડા પર પહોંચી જશે એવા મેસેજ સોશિયલ મિડિયા પર ફરી વળ્યા હતા. હવામાન ખાતના અધિકારી સુષમા નાયરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે, મુંબઈમાં આગામી દિવસમાં ઠંડી વધશે. પરંતુ અત્યાર સુધી એવા કોઈ સંકત જણાતા નથી કે તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે જશે.
આ દરમિયાન હવામાન ખાતાના કહેવા મુજબ મંગળવારથી મુંબઈમાં લઘુતમની સાથે જ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ૨૪-૨૫ જાન્યુઆરીએ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તો લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ જઈ શકે છે. ઠંડા પવનો પણ ફૂંકાશે. તો ૨૯ જાન્યુઆરી બાદ મુંબઈમાં ૧૨થી ૧૪ ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાની શક્યતા છે. તો મહારાષ્ટ્રના પણ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાશે.
હવામાન ખાતાએ ૧૦ ડિગ્રીની નીચે તાપમાન જવાની શક્યતા નહીંવત હોવાનું જણાવ્યું હતું. પરંતુ તાપમાન નીચું જશે એવું કહ્યું હતું. તેથી આગામી દિવસમાં મુંબઈમાં હિલ સ્ટેશન જેવી ઠંડી પડવાની અને રેકોર્ડબ્રેક ઠંડી પડવાની ભારોભાર શક્યતા છે.