ઉત્તરાખંડના જોશી મઠમાં બનેલી ઘટના આપણા બધાના મગજમાં તાજી જ છે ત્યાં મુંબઈમાં પણ આવી ઘટના બનવાની તૈયારીમાં છે એવું કહીએ તો કોઈ કદાચ વિશ્વાસ નહીં કરે, પણ આ હકીકત છે. મુંબઈના પ્રતિક્ષા નગર ખાતે આવેલી વીસ કરતાં વધુ બિલ્ડિંગની આસપાસમાં જમીનોમાં તિરાડો જોવા મળી રહી છે, જેને કારણે રહેવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ જેવી જ પરિસ્થિતિ અહીં મુંબઈમાં થશે કે શું એવો સવાલ પણ રહેવાસીઓને સતાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મ્હાડાની અલગ અલગ ઈમારતો આવેલી છે અને તેમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી લોકો રહે છે. પ્રતિક્ષા નગરની 20થી વધુ ઈમારતોની આસપાસમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ સમસ્યા લાગી રહી છે એટલી નાની હતી. આ તિરાડોનું કારણ પાણીપુરવઠા વિભાગની પાઈપલાઈન છે, એવો દાવો પણ રહેવાસીઓ દ્વારા કરાઈ રહ્યો છે. પ્રતિક્ષાનગરની અનેક સોસાયટીના રહેવાસીઓ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે આ માટે મુંબઈ મહાનગરપાલિકાના એક પ્રકલ્પને જવાબદાર ઠેરવ્યો છે. આ પ્રકલ્પ એટલે અમર મહલથી વડાલા પ્રતિક્ષા નગરથી પરેલ સુધીની વોટર ટનલ. આ સંદર્ભે રહેવાસીઓએ મ્હાડાના અધિકારીઓનો સંપર્ક પણ સાધ્યો હતો.
મ્હાડાના અધિકારીઓએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે અમને રહેવાસીઓની ફરિયાદ મળી છે. આ સંદર્ભે જેમણે ઈમારતો બાંધી છે એ શિર્કે બિલ્ડરને તપાસ કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ મુંબઈ મહાનગરપાલિકાને પણ તેમણે શરૂ કરેલા કામને કારણે આવું થયું છે કે એ બાબતે પણ તપાસ કરવાની વિનંતી કરી છે. પ્રતિક્ષા નગર એ પહેલાં દલદલ અને ખાડીનો ભાગ હતો અને તેના પર ભરણી કરીને મ્હાડાએ ઈમારતો ઊભી કરી છે. આ ઈમારતોને હજી તો કોઈ જોખમ ના હોય તો પણ આસપાસની જમીન જ નીચે ધસતી જશે તો ઈમારતોને ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે. તેથી રાજ્ય સરકારે પ્રતિક્ષા નગરને બીજું જોશી મઠ ન બને એ માટે જેમ બને તેમ ઝડપથી ઉચ્ચસ્તરીય તપાસ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની આવશ્યક્તા છે.