પુણેઃ દિવસે દિવસે ભારતીય રેલવેનો વિકાસ થઈ રહ્યો છે અને હવે મુંબઈ-પુણે વચ્ચે દોડાવવામાં આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને પણ પ્રવાસીઓનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. છ દિવસમાં સાડાત્રણ હજારથી વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાની માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી હતી. પશ્ચિમ રેલવે પર શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોઈ આ ટ્રેનમાં પણ તેની કેપેસિટી કરતાં 130 ટકા વધુ બુકિંગ્સ મળી રહી હોવાનું પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
10મી ફેબ્રુઆરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ-પુણે-સોલાપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી અને ત્યારથી જ પ્રવાસીઓ દ્વારા આ ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાની માહિતી મધ્ય રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, એમાં પણ સોલાપુર કરતાં પુણેમાં આ ટ્રેનને પ્રવાસીઓ વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લાં છ દિવસમાં 3,273 પુણેવાસીઓએ વંદેભારત ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. મુંબઈ- સોલાપુર ટ્રેન પુણે માર્ગે સોલાપુર સુધી દોડાવવામાં આવે છે. પુણેથી દોડનારી આ પહેલી વંદેભારત ટ્રેન હોઈ પુણેવાસીઓમાં વંદેભારત બાબતે ખૂબ જ ઉત્સુક્તા જોવા મળી હતી અને હવે પુણેવાસીઓની પહેલી પસંદ બની ગઈ છે આ વંદેભારત ટ્રેન.
11થી 17મી ફેબ્રુઆરી સુધી 2,539 પ્રવાસીઓએ મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કર્યો હતો અને પુણે-સોલાપુર વચ્ચે 734 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાની માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી હતી. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવતી હોઈ સવારે 6.50 કલાકે સોલાપુરથી રવાના થઈને પુણે 9 વાગ્યે પહોંચે છે અને ત્યાર બાદ બપોરે 12.30 કલાકે મુંબઈ પહોંચશે.
રિટર્નમાં બપોરે 4.10 વાગ્યે સીએસએમટીથી રવાના થઈને આ ટ્રેન સાંજે 7.30 કલાકે પુણે પહોંચશે અને ત્યાંથી રાતે 10.40 કલાકે આ ટ્રેન સોલાપુર પહોંચશે. આ ટ્રેન બુધવારે સાંજે મુંબઈથી અને ગુરુવારે સોલાપુરથી નહીં દોડે.
પશ્ચિમ રેલવે પર મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વચ્ચે દોડાવવામાં આવતી વંદેભારત ટ્રેનને પણ પ્રવાસીઓ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ ટ્રેનમાં તેની ક્ષમતા કરતાં 130 ટકા વધુ બુકિંગ મળી રહ્યું હોવાની માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.