Homeટોપ ન્યૂઝલાંબા સમય બાદ મુંબઈની ઝૂંપડપટ્ટીનું જીવન કચકડે કંડારાયું

લાંબા સમય બાદ મુંબઈની ઝૂંપડપટ્ટીનું જીવન કચકડે કંડારાયું

મુંબઈમાં જ ફિલ્મ નગરી છે અને તેથી તેને માયાનગરી પણ કહેવાય છે, પરંતુ છેલ્લા ઘણાં સમયથી મુંબઈ લોકેશન તરીકે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયું હતું. મોટે ભાગે નાના ગામડામાં રહેતા લોકોના જીવનની વાર્તા અને બાયોગ્રાફી પર ઉતરી આવેલું બોલીવૂડ મુંબઈને ભૂલી ગયું હતું. મુંબઈમાં પણ એક શ્રીમંતો અને નબીરાઓનું મુંબઈ જ્યારે બીજું ગરીબીમાં સબડતા, ઝૂગ્ગી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા કે રસ્તે ઠોકરો ખાઈ પડ્યા રહેતા લાખો મુંબઈગરાઓનું મુંબઈ. આ બન્નેની વચ્ચે પિસાતા મધ્યમવરર્ગીયોનું ત્રીજું મુંબઈ. મરાઠી ફિલ્મોમાં પણ અર્બન લાઈફ પર આધારિત વાર્તાઓ લખાતી હોવાથી ઘણી અછતો વચ્ચે જીવતા મુંબઈને જોવા મળતું નથી. છેલ્લે લગભગ રણવીર સિંહની ગલીબોયમાં મુંબઈની ઝૂંપડપટ્ટીની જિંદગી જોવા મળી હતી.

તાજેતરમાં રિલીઝ થયેલી ફાડુ-અ લવ સ્ટોરી વેબસિરિઝમાં ફરી આ ઝૂંપડપટ્ટી અને તેમાં રહેતા લોકોના અકળાવનારા જીવનને જોવા મળ્યું. ગુજરાતી લેખક સૌમ્ય જોશી લિખિત અને અશ્વિની ઐયર જેવી માતબર દિગ્દર્શિકા દ્વારા કંડારવામા આવેલી આ સિરિઝનો હીરો ઝૂંપડપટ્ટીમાં રહે છે. પોતે કોલેજના પહેલા દિવસે મોડો પહોંચે છે ત્યારે જવાબ માગતા પ્રોફેસરને તે સામે પૂછે છે કે તમે ક્યાં રહો છો. પ્રોફેસર જવાબ આપે છે પવઈ. ત્યારે આ છોકરો કહે છે કે તમે લોકો જે ગંદકી વહાવો છો તે ગટરમાં જાય છે અને ગટર છલકાવા બાદ અમારા ઘરમાં આવે છે, હું એ સાફ કરતો હતો એટલે કોલેજે આવવામાં મોડું થઈ ગયું. નાની-નાની ગલીઓમાં છાપરાવાળા ઘર, કેન્સરથી પીડાતી મા, ઈલાજ ન કરી શકનારો રીક્ષાચાલક બાપ, અભ્યાસમાં ઓછા માર્કસ આવતા દારૂને રવાડે ચડી ગયેલો ભાઈ અને આ બધા વચ્ચે ચપટીમાં કરોડોપતિ બની દુનિયા જીતવા માગતો હીરો.
જોકે આવી વાર્તાઓ નવી નથી, પરંતુ લાંબા સમય બાદ ફરી લોકોની સામે આ વરવી વાસ્તવિકતા આવી હોવાથી સિરિઝ પ્રશંસા મેળવી રહી છે. મુંબઈનું દારૂણ્ય અને ફાઈટિંગ સ્પિરીટ એમ બન્ને જ્યાં જોવા મળે તેવી સ્લમલાઈફ દેખાડતી  ફિલ્મોની વાત કરીએ તો ઓમ પુરીની ધારાવી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં જીવાતી જિંદગીને જ્યારે રૂપેરી પડદે લાવી હતી ત્યારે ખરું મુંબઈ લોકોની સામે આવ્યું હતું. આ ઉપરાંત સલામ બોમ્બે અને સ્લમડોગ મિલિયોનર જેવી ફિલ્મોમાં ગરીબીમાં જીવતા નાનકડા છોકરાઓને આ અજગર જેવું શહેર કઈ રીતે ડંખ્યા કરે છે તે જોતા રૂવાટાં ઊભા થઈ જાય છે. તો ચાંદનીબાર, ચમેલી જેવી ફિલ્મોમાં દેહવ્યાપાર કરતી છોકરીઓની દશા, ટ્રાફિક સિગ્નલ, સિટીલાઈટમાં ગરીબીમાં જીવતા લોકોની વ્યથા, સત્યા, વાસ્તવ, શૂટ આઉટ એટ વડાલા, સરકાર, વન્સ અપોન અ ટાઈમ વગેરે ફિલ્મોમાં અહીંના અંધારી આલમના અંધકારની વાત કરવામાં આવી છે.

એક સમયે ઋષીકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મોની મુંબઈમાં પોઝિટિવિટી હતી. તો મરાઠી ફિલ્મની હિન્દી રિમેક પિયા કા ઘરમાં ચાલી સિસ્ટમમાં એક રૂમમાં રહેતા જોઈન્ટ ફેમિલી અને તેમાં એડ્જસ્ટ કરતું નવદંપતીનું સુંદર ચિત્રણ હતું. મુંબઈ માત્ર ફિલ્મોમાં ચમકવા ઈચ્છા માટે નહીં, પરંતુ ફિલ્મોની વાર્તાઓમાં પણ વણાયેલું હતું, પરંતુ હવે તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. ત્યારે ફાડુ કે લોકડાઉન જેવી સિરિઝ ફરી મુંબઈની બહાર રહેનારાઓને સપનાના શહેરની વાસ્તવિકતા તરફ લઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular