ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાતાં અભિયાનને કારણે શક્ય બન્યું: ટ્રાફિક પોલીસ
મુંબઈ: શહેરમાં ૨૦૨૨માં માર્ગઅકસ્માતોને કારણે થતી જાનહાનિમાં ૩૦ ટકાનો ઘટાડો થવાનું કારણ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલાં જાગૃતિ અભિયાન છે, એવું એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસે સોમવારે જણાવ્યું હતું.
ગયા વર્ષે શહેરમાં ૨૫૭ માર્ગઅકસ્માતોમાં ઓછામાં ઓછા ૨૬૮ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૨૧માં ૩૭૬ અકસ્માતોમાં ૩૮૭ જણે જીવ ગુમાવ્યા હતા, એવું જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પૌડવાલે જણઆવ્યું હતું.
૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં ટ્રાફિક પોલીસે માર્ગઅકસ્માતમાં ૩૦ ટકા ઓછાં મૃત્યુ નોંધ્યાં હતાં, જે એક સારો સંકેત છે, એવું પૌડવાલે જણાવ્યું હતું.
જીવલેણ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને આ ઘટાડો ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા અવારનવાર જાગરૂકતા કાર્યક્રમ અને ઝુંબેશને આભારી હોઇ શકે છે, એવું અધિકારીએ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન જણાવ્યું હતું. માર્ગ સલામતી સપ્તાહ ૧૭મી જાન્યુઆરીએ પૂરું થવાનું છે.
અમે લોકોને ટ્રાફિકના નિયમો અને તેનું પાલન કરવાની રીતે વિશે જાગ્રત કરવા માટે આગામી દિવસોમાં અમે વધુ ઝુંબેશ હાથ ધરીશું અને આ માટે એક બોલિવૂડની સેલિબ્રિટી પણ જોડાશે, એવું તેમણે જણાવ્યું હતું.
ફોર વ્હીલરમાં ડ્રાઈવરો અને મુસાફરો માટે સીટ બેલ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જ્યારે ટુ-વ્હીલર સવારો અને બાઈકની પાછળ બેસનારાઓ માટે હેલ્મેટ ફરજિયાત છે અને પોલીસને એ માટે સહકાર આપો, એવી વિનંતી અધિકારીએ કરી હતી.