મુંબઇ સમાચાર દ્વિ-શતાબ્દીની અમદાવાદમાં ઉજવણી: ભૂતપૂર્વ પત્રકારોએ યાદ કર્યા અખબાર સાથે વિતાવેલા દિવસો

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: એક અખબાર તરીકેની ભૂમિકા તો મુંબઈ સમાચારે છેલ્લી બે સદીથી બખૂબી નિભાવી છે, પરંતુ સાથે નવા પત્રકારોને તાલીમ આપવાની અને તેમને પત્રકારત્ત્વના પાઠ ભણાવવી એક શૈક્ષણિક સંસ્થાની જવાબદારી પણ નિભાવી છે. વર્તમાનપત્રમાં અમદાવાદ ખાતે ૧૯૯૪થી જોડાયેલા પત્રકારોએ ૨૦૦ વર્ષ પૂરાં થયાની સિદ્ધિને બિરદાવવા અને તે સમયની યાદોને તાજા કરવા માટે નવજીવન ટ્રસ્ટના કર્મ કેફેમાં એક નાનકડા મેળાવડાનું આયોજન કર્યુ હતું. જેમાં મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે ખાસ મુંબઈથી હાજરી આપવા આવ્યા હતા.
મુંબઈ સમાચારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલમાં અન્ય અખબારો કે ચેનલોમાં ઉચ્ચપદે બેસેલા પત્રકારો હાજર રહ્યા હતા. જેમાં ધીમંત પુરોહિત, પ્રશાંત દયાળ, દક્ષેસ પાઠક, સતીશ મોરી, કિશોર ઉપાધ્યાય, અરૂણ શાહે આ આયોજન પાર પાડ્યું હતું. આમંત્રિત મહેમાનોમાં અજય ઉમટ, રાજીવ પાઠક, અતુલ શાહ, મહેશ શાહ, લીના મિશ્રા, હરિ દેસાઈ, શિરિષ કાશીકર, દિપક રાજાણી, સોનલ પંડ્યા, પુનીતા હરાડે અને પ્રિયંકા અને નટવર પટેલ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇ સમાચારના તંત્રી નીલેશ દવેએ કેક કાપી હતી. તાજેતરમાં જ મુંબઈ સમાચારની પોસ્ટલ સ્ટેમ્પ અને કવર બહાર પાડવામાં આવ્યા છે ત્યારે આને સ્મૃતિચિન્હ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. મુંબઈ સમાચારનો અમદાવાદનો હાલનો સ્ટાફ કિરીટ ઉપાધ્યાય, પૂજા શાહ, એમ.જી. દેસાઈ, અજય તિવારી, શૌલિક ગાંધી, સાવન ઝાલરીયા, સંજય તિવારી, યુસુફ અજમેરી હાજર રહ્યા હતા.
મુંબઈ સમાચારની ખુમારી, સમાચારોની વિશ્ર્વસનીયતા અને માલિકોની કર્મચારીઓ પ્રત્યેની લાગણી અને પોતાનાપણાને તમામે વખાણ્યા હતા. સાથે સ્વાદિષ્ટ ગાંધી થાળીનો સ્વાદ માણી સહુ છૂટા પડ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.