મુંબઈઃ મુંબઈમાં યોજાયેલી ટાટા મુંબઈ મેરેથોનનું આ 18મું વર્ષ છે અને કોવિડ પછી બે વર્ષના સમયગાળા બાદ આ મેરેથોન યોજાઈ રહી હોઈ મુંબઈગરાના આનંદ અને ઉત્સાહની કોઈ સીમા જ નહોતી. આ મેરેથોનમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.
મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા મેરેથોનને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. બોરીવલીથી સવારે 3.45 કલાકે પહેલી લોકલ ચર્ચગેટ માટે દોડાવવામાં આવી હતી. જ્યારે મધ્ય રેલવે દ્વારા કલ્યાણથી 3 વાગ્યે અને હાર્બર લાઈન પર પનવેલથી 3.10 કલાકે પહેલી લોકલ દોડાવવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કોઈ પણ પ્રકારનો અવરોધ કે મુશ્કેલી ના આવે એ માટે ટ્રાફિકના રુટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારા સાથે મેરેથોનમાં ભાગ લેવા આવેલા રનર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુંબઈ મહાનગર પાલિકા, મુંબઈ પોલીસ અને આયોજકોએ સાથે મળીને લોકો માટે ઠેક ઠેકાણે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય કોઈ પણ પ્રકારની મેડિકલ ઈમર્જન્સીને પહોંચી વળવા થોડાક થોડાક અંતરે મેડિકલ રુમની વ્યવસ્થા કરવામાં આવી હતી.