Homeઆમચી મુંબઈમુંબઈગરા સાચવજો! રાજધાની કરતાં પણ મુંબઈની હવા વધુ પ્રદૂષિત

મુંબઈગરા સાચવજો! રાજધાની કરતાં પણ મુંબઈની હવા વધુ પ્રદૂષિત

શરદી, ઉધરસ, આંખ બળવાના કેસમાં વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં મંગળવારે હવાની ગુણવત્તાનું સ્તર ઘસરી ગયું હતું. દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૬૨ જેટલો ઊંચો નોંધાયો હતો. સવારથી વાદળિયું અને ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પણ ઓછી રહી હતી. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી જવાથી શરદી, ઉધરસ, આંખમાં બળતરા અને શ્ર્વાસોશ્ર્વાસની તકલીફનાઅનેક દર્દીઓ નોંધાયા હતા.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. હવાની ગુણવત્તાનું સ્તર પણ નીચે ઊતરી ગયું છે. ઍર ક્વોલિટી ઈન્ડેક્સ પણ સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને બોરીવલી, મલાડ, મઝગાંવ, અંધેરી જેવા વિસ્તારમાં હવાની ગુણવત્તા એકદમ ઘસરી ગઈ હતી.
મુંબઈમાં હવાની ગુણવત્તા પર નજર રાખનારી સંસ્થા ‘સફર’ મુજબ મુંબઈમાં મંગળવારે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૬૨ નોંધાયો હતો. બોરીવલીમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૩, મલાડમાં ૩૨૦ ઍક્યુઆઈ, ભાંડુપમાં ૨૩૯, અંધેરીમાં ૨૨૮, બીકેસીમાં ૨૪૨, ચેંબુરમાં ૨૮૬, મઝગાંવમાં ૩૧૬ અને કોલાબામાં ૨૫૯ નોંધાયો હતો.
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ મુંબઈમાં બદલાતા હવામાનને કારણે હવાની ગુણવત્તાનું સ્તર ઘસરી ગયું છે. મુંબઈમાં ચોમાસાની વિદાય સાથે જ પવનોની ગતિ ધીમી પડી ગઈ છે. તેથી વાતાવરણમાં રહેલી ધૂળ, રજકણ વગેરે નીચલા વાતાવરણમાં કલાકો સુધી રહે છે. તેને કારણે હવાની ગુણવત્તા ઘસરી જાય છે. હાલ ઉત્તર-પૂર્વીય પવનોની સાથે તાપમાનમાં ઘટાડો થવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. મુંબઈમાં શિયાળાના અંત સુધી હવાની ગુણવત્તા આવી જ રહેશે અને ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો જ રહેશે

RELATED ARTICLES

Most Popular