પુણેઃ મુંબઈ-પુણે એ મહારાષ્ટ્રના બે સૌથી મોટા શહેરો છે જેની વચ્ચે રોજે હજારો લોકો પ્રવાસ કરે છે અને આ હજારો પ્રવાસીઓ પાસે સૌથી પ્રવાસ કરવાનો સૌથી ઝડપી પર્યાય છે રેલવે… રેલવેમાં પણ રોજના ત્રણથી ચાર કલાકની મુસાફરી પ્રવાસીઓએ અત્યારે વર્તમાન સંજોગોમાં કરવી પડે છે. પણ જો બધું બરાબર રહ્યું તો આ સમય ઘટીને માત્ર 25 મિનીટનો થઈ જશે.
પુણે-મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી શરુ કરવા સંદર્ભે હિલચાલ કરવામાં આવી રહી છે અને એ માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એમ બે એરલાઈને રસ દેખાડ્યો છે. મુંબઈ એરપોર્ટ પરથી સ્લોટ મળવાનું થોડું અઘરું છે, પણ તેમ છતાં દિવસમાં એકાદ ફ્લાઈટ તો પુણે-મુંબઈ વચ્ચે શરુ થાય એ માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ સંદર્ભનો પ્રસ્તાવ પણ એરપોર્ટ ઓથોરિટી પાસે મોકલવામાં આવ્યો છે. જો આ રુટ શરુ થયો તો આ બે શહેરો એકબીજાની નજીક આવી જશે અને લોકોને વધુ એક ઝડપી મુસાફરીનો પર્યાય મળશે.
પુણે-મુંબઈ વચ્ચે 2008માં હવાઈ મુસાફરી ચાલુ હતી અને તેને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો હતો. 2017માં જેટ એરવેઝે પુણે-મુંબઈ સર્વિસ શરુ કરી, પરંતુ આ સેવા પણ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી. ત્યાર પછી બસ આ સ્ટ્રેચ પર હવાઈ મુસાફરી શરુ કરવાની ચર્ચાઓ થઈ, પણ કોઈ પણ ચોક્કસ ભૂમિકા લેવામાં આવી નહીં.
પુણેના લોહગાવ એરપોર્ટથી ડોમેસ્ટિક સર્વિસ વધી છે અને પુણેથી જ લોકો દુબઈ, સિંગાપોર, બેંકોક માટેની ફ્લાઈટ લઈ શકે છે. પણ પુણેથી અન્ય દેશો માટેની ફ્લાઈટ સર્વિસ નથી.પુણે-મુંબઈ સર્વિસ શરુ થશે તો અન્ય દેશમાં જવા માગનારા પ્રવાસીઓને તેનો ફાયદો થશે.