કાંદિવલી-બોરીવલી સહિત પશ્ચિમ ઉપનગરમાંથી રિક્ષા ચોરાવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ રિક્ષા ચોરને પકડવા માટે ખુદ મુંબઈ પોલીસ રિક્ષાચાલક બનીને ટ્રેપ ગોઠવ્યો હતો અને બે જણની ધરપકડ કરી હતી. દહીંસરમાં એમએચબી કોલોની પોલીસે આ બંને ચોરની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચાર રિક્ષા જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં બંને આરોપી પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા હોવાની માહિતી પણ આપી હતી.
રિક્ષાચાલક અજયકુમાર યાદવે 24મી જાન્યુઆરીના દહિંસર પશ્ચિમમાં કેન્સર હોસ્પિટલ નજીક પોતાની રિક્ષા પાર્ક કરી હતી અને જમવા ગયા હતા. પરંતુ જમીને પાછા આવ્યા બાદ અજયને ધ્યાનમાં આવ્યું હતું કે રિક્ષા ગાયબ છે. આ બાબતે અજયે એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી રિક્ષા ચોરીની ઘટનાઓ વધી રહી હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજમાં રિક્ષા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી જોગેશ્વરીની દિશામાં જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને થોડાક અંતર બાદ આ રિક્ષા પણ હતી નહતી થઈ ગઈ હતી.
પોલીસે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં રિક્ષાચોરીના ગુનામાં રહેલાં સીસીટીવી ફૂટેજ તપાસતાં બે આરોપીના ચહેરા જોવા મળ્યા હતા અને આ બંને આરોપી ચારકોપ વિસ્તારમાં રહેતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ચોરને ખબર ન પડે એમ મુંબઈ પોલીસે ખુદ રિક્ષાચાલક બનીને ત્રણ દિવસ સુધી રિક્ષા સ્ટેન્ડ પર ટ્રેન ગોઠવ્યો હતો. મંગળવારે બપોરે બાર વાગ્યાની આસપાસ બંને રિક્ષા ચોરવા માટે જઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા જ પોલીસની નજરે પડ્યા હતા. પોલીસે બંને આરોપીને રંગે હાથ પકડી લીધા હતા.
આરોપીની ઓળખ અઝીઝ મોમીન અને ભૂષણ લિંગપલ્લી તરીકે કરવામાં આવી હતી. તપાસમાં તેમણે નવઘર પોલીસ સ્ટેશન, થાણે, ભાયંદર, કાંદિવલી પોલીસ સ્ટેશન, જૂહુ પોલીસ સ્ટેશન અને એમએચબી પોલીસ સ્ટેશનની હદમાંથી રિક્ષા ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી ચાર રિક્ષા પણ જપ્ત કરી હતી.