બોલીવૂડ એક્ટર રણવીર સિંહે જુલાઈ મહિનામાં એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. રણવીર સિંહે આ કેસમાં પોતાનું નિવેદન આપ્યું છે. 29 ઓગસ્ટ એટલે કે આજે રણવીર ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગ્યે આવ્યો હતો અને બે કલાક સુધી મુંબઈ પોલીસે તેની પુછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર રણવીરને 10 સવાલ પૂછવામાં આવ્યા હતાં. રણવીરે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા હતાં. મીડિયા તથા ભીડથી બચવા માટે રણવીરે બે દિવસ પહેલાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરીને સવારનો ટાઇમ ફિક્સ કરાવ્યો હતો.

સવાલોના જવાબ આપતી વખતે રણવીરે જણાવ્યું હતું કે, મને આ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ મારા માટે મુસીબત ઊભી કરી દશે, મારો હેતુ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કર્યું હતું. હું માત્ર એટલું જ ઈચ્છતો કે આ વધુ ને વધુ લોકો સુધી પહોંચી, આ જ કારણે મેં સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. મેં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તસવીરો પોસ્ટ કરી નહોતી. રણવીરે આ પ્રકરણે સહયોગ આપવાની પણ વાત કરી હતી.
નોંધનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાએ કહ્યું હતું કે રણવીરે પોતાના ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેમનું અપમાન કર્યું છે, આથી આ તસવીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી હતી. રણવીર સામે કેસ કરવામાં આવ્યો છે.

Google search engine