અનંત ચતુર્દશીના બંદોબસ્ત માટે મુંબઈ પોલીસ સજ્જ

આમચી મુંબઈ

૧૮,૫૦૦થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી તહેનાત

સતર્કતા: આજે ગણેશ વિસર્જન નિમિત્તે શહેરમાં કોઈ અણબનાવ કે માનવસર્જિત કોઈ છમકલું થાય નહીં તેની તકેદારીના ભાગરૂપે મુંબઈ પોલીસ દ્વારા ગુરુવારે એમઆરએ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિ વિસર્જનને દિવસે (શુક્રવારે) મહાનગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ આ માટે મુંબઈ પોલીસના ૧૮,૫૦૦થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જન નિમિત્તે ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક વોર્ડનને પણ રાખવામાં આવ્યા છે.
આ વર્ષે તહેવારો કોવિડ-૧૯ પ્રતિબંધક નિયમો વિના ઉજવાઇ રહ્યા હોવાથી ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડવાની શક્યતા છે, એમ પોલીસે કહ્યું હતું.
શહેરમાં ગણપતિ વિસર્જન શાંતિથી પાર પડે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે ૧૫,૫૦૦ પોલીસ કર્મચારીઓ, ૩,૨૦૦ પોલીસ અધિકારીઓને તહેનાત કરાયા છે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની આઠ કંપની, રેપિડ એક્શન ફોર્સની એક કંપની, ૭૫૦ જેટલા હોમ ગાર્ડ અને ૨૫૦ ટ્રેઇનીની પણ મદદ લેવામાં આવી છે.
ગણપતિ વિસર્જન ગિરગામ ચોપાટી, શિવાજી પાર્ક, બાંદ્રા, જુહુ, વર્સોવા અને પવઇ ઉપરાંત ૭૦ જેટલા તળાવ અને મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવો ખાતે થશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વિસર્જનના સ્થળે તેમ જ વિસર્જનના માર્ગો પર બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) અને ડોગ સ્કવોડ દ્વારા ચકાસણી કરવામાં આવશે. વિસર્જનના સ્થળોએ વૉચ ટાવરથી નજર રાખવામાં આવશે. ગિરદીના સ્થળોએ બાળકો-મહિલાઓની સુરક્ષા માટે સાદાવેશમાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
———-
પુણેમાં ૮,૦૦૦ પોલીસકર્મીઓ ખડેપગે
પુણે: પુણેમાં ગણપતિ વિસર્જનને દિવસે પુણેમાં ૮,૦૦૦ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક સ્થળે મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે અનેક માર્ગ પર ટ્રાફિકના નિયંત્રણો અને ડાઇવર્ઝન રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.