(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘મુંબઈ પોલીસ એક ટીમ છે. અહીં કોઈ પણ સિંઘમ નથી,’ એવું મહત્ત્વનું ટ્વીટ મુંબઈના સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ તરીકેનો પદભાર સ્વીકાર્યા બાદ દેવેન ભારતીએ તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કર્યું હતું.
મુંબઈ પોલીસ દળના ઈતિહાસમાં પહેલી વાર વિશેષ પોલીસ કમિશનરનું પદ નિર્માણ કરવામાં આવ્યું છે. એડિશનલ પોલીસ ડીજી રૅન્કનું આ પદ હોવાથી પ્રથમ વિશેષ પોલીસ કમિશનર તરીકે સિનિયર આઈપીએસ અધિકારી દેવેન ભારતીની
નિયુક્તિની જાહેરાત બુધવારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાઈ હતી.
ગુરુવારે સવારે ૧૧ વાગ્યે દેવેન ભારતી મુંબઈ પોલીસ મુખ્યાલયમાં દાખલ થયા હતા. સૌપ્રથમ પોલીસ કમિશનર વિવેક ફણસલકરની ઑફિસમાં જઈ તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ પાંચેય જૉઈન્ટ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરીને કામની વિગતો મેળવી હતી.
વિશેષ પોલીસ કમિશનર માટે હજુ અલગ ઑફિસની વ્યવસ્થા ન હોવાથી તેમણે જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ની ઑફિસમાં વિશેષ કમિશનર તરીકેનો પદભાર સ્વીકાર્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરવાનું ટાળનારા દેવેન ભારતીએ ટ્વિટર હેન્ડલ પર મુંબઈ પોલીસ એક ટીમ છે. અહીં કોઈ સિંઘમ નથી, એવું ટ્વીટ કર્યું હતું.
રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમાંતર વહીવટી તંત્ર સ્થાપિત કરવાના વિપક્ષોના આરોપોનો જવાબ આપતાં ગુરુવારે જણાવ્યું હતું કે દેવેન ભારતી મુંબઈના પોલીસ કમિશનરના હાથ નીચે રહેશે. મુંબઈમાં એડિશનલ ડિરેક્ટર જનરલ રૅન્કનો કોઈ અધિકારી નહોતો અને સ્પેશિયલ પોલીસ કમિશનર આ શૂન્યાવકાશ ભરી કાઢશે. પહેલા મુંબઈ પોલીસ કમિશનરનું પદ એડીજી રૅન્કનું હતું, જેને પછીથી મુંબઈની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને ડીજી રૅન્કનું બનાવવામાં આવ્યું હતું, પરંતુ એડિશનલ ડીજી રૅન્કનું કોઈ પદ ત્યારે નિર્માણ કરવામાં આવ્યું નહોતું. જૉઈન્ટ પોલીસ કમિશનર ઈન્સ્પેક્ટર જનરલ સ્તરના હોય છે અને તેઓ એડિશનલ ડીજીના હાથ નીચે હોય છે.
મુંબઈ પોલીસ એક ટીમ છે અને અહીં કોઈ સિંઘમ નથી: દેવેન ભારતીનું ટ્વીટ
RELATED ARTICLES