મુંબઈઃ 10મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાછા મુંબઈની મુલાકાતે આવવાના છે અને આ જ નિમિત્તે મુંબઈ પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટમાં મુંબઈ પોલીસે મરોળ, અંધેરી, કોલાબા, સીએસએમટી વડા પ્રધાનની વિઝિટ સાઈટ પર ડ્રોન કે અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
10મી ફેબ્રુઆરીએ મોદી સીએસએમટી ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ વિઝિટને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે કલમ 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. વડા પ્રધાન મોદીની આ મુંબઈ મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહી જાય એટલે પોલીસ સેન્ટ્રલ સિસ્ટમ સાથે મળીને કામ કરી રહી છે.
મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ પ્રમાણે મરોળ, અંધેરી, કોલાબા, સીએસએમટી ખાતે ડ્રોન અન્ય વસ્તુઓ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીજી મહિનામાં બીજી વખત મુંબઈ આવી રહ્યા છે. આ પહેલાં તેઓ 19મી જાન્યુઆરીના મુંબઈ આવ્યા હતા બીકેસી ખાતે જ્યાં તેમણે મેટ્રો 2A- અને 7ને લીલી ઝંડી દેખાડી હતી.
મુંબઈથી ટૂંક સમયમાં બે નવી વંદે ભારત ટ્રેન રવાના થવાની હોઈ એક ટ્રેન મુંબઈ સોલાપુર રૂટ પર જ્યારે બીજી ટ્રેન મુંબઈ શિરડી રૂટ પર દોડાવવામા આવશે. આ બંને ટ્રેનો ચેન્નઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે.