(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે પહેલા વરસાદમાંજ મુંબઈમાં ભરાતા પાણી મુંબઈ મહાનગરપાલિકાના ૧૦૦ ટકા નાળાસફાઈના દાવાને પોકળ સાબિત કરી નાંખતા હોય છે ત્યારે આ વર્ષે પાલિકાએ નક્કી કરેલી મુદત એટલે કે ૩૧ મે પહેલાં જ મુંબઈના નાળામાંથી ૧૦૦ ટકાથી પણ વધુ એટલે કે ૧૦૦.૫૧ ટકા ગાળ કાઢીને નાળાસફાઈ પૂરી કરીને મુંબઈમાં પાણી ભરાશે નહીં એવો દાવો કર્યો છે.
દર વર્ષે મુંબઈ મનપા કરોડો રૂપિયા ખર્ચીને ચોમાસાના આગમન પહેલાં ૧૦૦ ટકા નાળાસફાઈ કરી હોવાનો દાવો કરતી હોય છે. જોકે નાળાની સફાઈ બરોબર થઈ ન હોવાને કારણે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે. તેથી પાલિકા પ્રશાસનના મુદત પહેલાં જ ૧૦૦ ટકાથી પણ વધુ નાળાસફાઈના દાવાને હાસ્યાપદ ગણવામાં આવી રહ્યો છે. જોકે પાલિકાએ નાળા સફાઈનો લક્ષ્યાંક પૂરો થયો છે, છતાં સફાઈનું કામ ચાલુ જ રહેશે એવો દાવો કર્યો છે.
પાલિકાના જણાવ્યા મુજબ ચોમાસા પહેલાંના કામના ભાગ તરીકે મુંબઈના નાળામાંથી ગાળ કાઢવાનો ઉદ્દેશ્ય મુદત પહેલાં જ કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસા પહેલા કુલ ૯,૭૯,૮૮૨ મેટ્રિક ટન ગાળ નાળામાંથી કાઢવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેમાંથી ૨૫ મે, ગુરુવારના બપોરના ૧૨ વાગ્યા સુધીમાં થયેલી નોંધ મુજબ અત્યાર સુધી ૯,૮૪,૯૨૭ મેટ્રિક ટન એટલે કે નક્કી કરેલા લક્ષ્યાંક કરતા ૧૦૦.૫૧ ટકા ગાળ કાઢવામાં આવ્યો છે.
ચોમાસા પહેલાં એટલે કે ૩૧ મે, ૨૦૨૩ના રોજ નક્કી કરેલી મુદતના એક અઠવાડિયા પહેલાં જ ગાળ કાઢવામાં આવ્યો હોવાનું પાલિકાના એડિશનલ (પ્રોજેક્ટ) પી.વેલરાસૂએ કહ્યું હતું. મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલિકાના ર્સ્ટોમ વોટર ડ્રેનેજ વિભાગ દ્વારા મુંબઈ મહાનગરમાં આવેલા મોટા નાળામાંથી ગાળ કાઢવામાં આવે છે. તો વોર્ડ સ્તરે નાના નાળાને સાફ કરવાનું કામ કરવામાં આવે છે. નાળામાંથી ગાળ કાઢવાથી ચોમાસામાં વરસાદી પાણીનો જલદી નિકાસ થવામાં મદદ મળે છે.
ચોમાસા પહેલા નાળામાંથી કેટલો ગાળ કાઢવાનો આવશ્યક છે, તેનો અભ્યાસ કરીને દર વર્ષે ગાળ કાઢવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. મુંબઈમાં પડતા વરસાદ અને વરસાદની તીવ્રતાનો અનુભવ ધ્યાનમાં રાખીને ગાળ કાઢવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. આ વર્ષે ૧,૭૯,૮૮૨ મેટ્રિક ટન ગાળ કાઢવાનો હતો.
છ માર્ચ, ૨૦૦૩થી કામ ચાલુ કરવામાં આવ્યું છે અને તેને પૂરું કરવાની મુદત ૩૧ મે, ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી. નક્કી કરેલી મુદત પહેલાં જ ગાળ કાઢવાનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. નાળામાંથી ગાળ કાઢીને તેનો નિકાલ કરવા માટે અત્યાર સુધી વાહનોની ૫૧,૪૯૦ ફેરીઓ થઈ છે.