મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડી રહી છે. અંતિરક્ષથી લઈને માઈનિંગ સુધીનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓએ પોતાનું વર્ચસ્વ સાબિત ના કર્યું હોઈ. હવે આ જ દિશામાં આગળ વધીને મુંબઈમાં નવી ચાલુ થયેલાં બે મેટ્રો સ્ટેશનના સંચાલનની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. મેટ્રો ચલાવવાથી લઈને સ્ટેશનનું મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સુરક્ષા સહિતના તમામ કામકાજની જવાબદારી મહિલાઓ નિભાવશે. એમએમઆરડીએ અને એમએમએમઓસીએલમાં મેટ્રો મહિલા કર્મચારીઓના સક્ષમીકરણની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવશે. મંગળવારે આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ મેટ્રો-7 અને મેટ્રો 2-એના બંને તબક્કાનું હાલમાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પ્રવાસીઓ આ રૂટને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. હવે મેટ્રો પ્રશાસન દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે મેટ્રો 2-એના આકુર્લી અને મેટ્રો-7ના એક્સર રેલવે સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને સોંપવામાં આવશે. સ્ટેશન પર મેનેજરથી લઈને સિક્યોરિટી ગાર્ડ્સ સુધી 76 મહિલા કર્મચારીઓ દ્વારા આ સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે.
આકુર્લી અને એક્સર બંને રેલવે સ્ટેશન પર ત્રણ શિફ્ટમાં મહિલા કર્મચારીઓ કામ કરશે, જેમાં સ્ટેશન કન્ટ્રોલર, ઓવર એક્સાઈઝ અને ટિકિટ કાઉન્ટર પર, કસ્ટમર સર્વિસ ઓફિસર જેવા વિવિધ પદ પર મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપક્રમ માત્ર પરિવહન વ્યવસાયની મહિલાઓની ક્ષમતા સિદ્ધ કરવા માટેનો ના હોઈ અન્ય મહિલાઓએ પણ આ ક્ષેત્રમાં કરિયર બનાવવા વિશે વિચારવું જોઈએ એ માટે પ્રોત્સાહિત કરવાનો છે, એવું એમએમઆરડીએ અને એમએમએમઓસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મેટ્રોના કારભાર માટે આશરે 958 મહિલા (27 ટકા) કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ મહિલા કર્મચારીઓ મેઈન્ટેનન્સથી લઈને એચઆર, કમર્શિયલ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત્ રહેશે.