મુંબઇ મેટ્રોની લાઇન 2એ દહિસરને અંધેરી (વેસ્ટ) ડી. એન. નગર સાથે જોડે છે અને લાઇન 7 દહિસર પૂર્વથી અંધેરી પૂર્વને જોડે છે. આ બંને લાઇનના ઉદ્ઘાટન પહેલા મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ બંને લાઇન માટે ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
આ બંને મેટ્રો લાઇનના ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા છે. આ બંને લાઇના નિર્માણમાં 12,600 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બંને લાઇનની ટિકિટો 10 થી 50 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. દહિસર બંને લાઇન માટે કોમન સ્ટેશન હશે, તેથી જેઓ ડી. એન. નગર અને અંધેરી પૂર્વની મુસાફરી કરવા માગે છે તેઓએ અહીં અદલાબદલી કરવી પડશે.
આ બંને લાઇનના ટિકિટના દર આ મુજબ છેઃ
0-3 કિ.મી. 10 રૂપિયા
3-12 કિ.મી. 20 રૂપિયા
12-18 કિ.મી. 30 રૂપિયા
18-24 કિ.મી. 40 રૂપિયા
24-30 કિ.મી. 50 રૂપિયા
આ બંને લાઇનનો મુખ્ય હેતુ ન્યુ લિંક રોડ પર અને દહિસર પૂર્વથી ડી. એન. નગર વચ્ચેના ટ્રાફિકને રાહત આપવાનો છે. મેટ્રો 2એ લાઇન 18 કિ.મી.થી વધુ લાંબી છે. તેમાં અંધેરી પશ્ચિમ, પહાડી ગોરેગામ, લોઅર મલાડ,મલાડ પશ્ચિમ, એક્સર, મંડપેશ્વર, કંદરપાડા, અપર દહિસર, દહિસર પૂર્વ, લોઅર ઓશિવારા, ઓશિવારા, ગોરેગામ પશ્ચિમ, વલનાઇ, દહાણુકરવાડી, કાંદિવલી પશ્ચિમ, પહાડી એક્સર, બોરિવલી પશ્ચિમ જેવા 17 સ્ટેશન છે. આ લાઇન દહિસર પૂર્વમાં મેટ્રો લાઇન 7 અને ઓશિવારામાં મેટ્રો લાઇન 6ને ક્રોસ કરે છે.
મુંબઇ મેટ્રો લાઇન 7 16.5 કિ.મી. લાંબી છે અને તેમાં ગુંદાવલી, મોગરા, જોગેશ્વરી પૂર્વ, ગોરેગામ પૂર્વ, આરે, ડીંડોશી, કુરાર, આકુર્લી, પોઇસર, મગાથાણે, દેવીપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન, ઓવરીપાડા એમ 13 સ્ટેશન છે.