Homeઆમચી મુંબઈગોખલે બ્રિજ બંધ પણ મેટ્રોને થઈ ચાંદી મેટ્રો અને રેલવેના પ્રવાસીની સંખ્યા...

ગોખલે બ્રિજ બંધ પણ મેટ્રોને થઈ ચાંદી મેટ્રો અને રેલવેના પ્રવાસીની સંખ્યા વધી

મેટ્રોમાં રોજના ૩.૮૦ લાખ પ્રવાસીની અવરજવર

ક્ષિતિજ નાયક

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડતા ગોખલે બ્રિજને (રોડઓવર બ્રિજ)ને બંધ કરવામાં આવ્યા પછી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે, પરંતુ તેના વિકલ્પ માટે સ્થાનિક લોકો મેટ્રો અને રેલવેનો મહત્તમ આશરો લઈ રહ્યા છે. પશ્ર્ચિમ રેલવેમાં એસ. વી. રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસને જોડવા માટે ગોખલે બ્રિજ સૌથી મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, પરંતુ જૂનો-જર્જરિત થઈ જવાને કારણે તાકીદે બ્રિજ પરથી વાહનચાલકોની અવરજવર બંધ કરવામાં આવી છે તેથી સ્થાનિકોની સાથે વાહનચાલકોને સૌથી વધુ હાલાકી પડી રહી છે, પરંતુ તેનો વિકલ્પ લોકોએ શોધી લીધો છે. સાતમી નવેમ્બરથી બ્રિજ બંધ કરવામાં આવ્યા પછી સ્થાનિકોની સાથે દુકાનદારોની મુશ્કેલી વધી છે. લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે, તેમાંય વળી ટૂંકા અંતરે રિક્ષા મળવાનુંં બંધ થયું છે, તેથી લોકો માટે રેલવે અને મેટ્રો સિવાય વિકલ્પ બચ્યો નથી, એમ અંધેરી પૂર્વના રહેવાસી રમણીકભાઈએ જણાવ્યું હતું.


બ્રિજ બંધ કરવાને કારણે સૌથી વધુ ફાયદો મેટ્રોને થયો છે. સાતમી નવેમ્બરે બ્રિજ બંધ કર્યાના દિવસે એકાએક ૨૦,૦૦૦ પ્રવાસીની સંખ્યા વધી હતી. આજે તેની સંખ્યા વધીને ૪૦,૦૦૦ પહોંચી છે. સાતમી નવેમ્બર પૂર્વે મેટ્રોમાં રોજના ૩.૪૦ લાખ પ્રવાસી મુસાફરી કરતા હતા, જ્યારે આજે તેની સંખ્યા વધીને ૩.૮૦ લાખ પાર થઈ છે, જ્યારે આગામી દિવસોમાં તેની સંખ્યા ચાર લાખ પાર કરી શકે છે, એમ મેટ્રોના પ્રવક્તાએ જણાવ્યું હતું.
વેકેશન પૂરું થયું હોવાને કારણે પણ પ્રવાસીની અવરજવરમાં વધારો થયો છે, જ્યારે કોરોના સંબંધિત તમામ નિયંત્રણ હટાવી લેવામાં આવ્યા હોવાથી એકંદરે રેલવેની સાથે મેટ્રોમાં સૌથી વધુ લોકો અવરજવર કરવાનું પસંદ કરી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રોની સાથે સાથે રેલવેના મહત્ત્વના સ્ટેશન જેમ કે પશ્ર્ચિમ રેલવેમાં અંધેરી અને મધ્ય રેલવેમાં ઘાટકોપર સ્ટેશનના પ્રવાસીની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. અંધેરીમાં રોજના ૩.૫૦ લાખ તથા ઘાટકોપરમાં ૩.૧૫ લાખ પ્રવાસીની અવરજવર રહે છે, પરંતુ બ્રિજ બંધ કરવામાં આવ્યા પછી બંને સ્ટેશનના પ્રવાસીની સંખ્યા દસથી ૨૦ ટકા વધી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
વાહનચાલકો માટે આ બ્રિજ સૌથી મહત્ત્વનો છે, જે બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. તેની સામે રિક્ષાવાળાની દાદાગીરીના ભોગ સ્થાનિકોને બનવું પડે છે. બ્રિજ બંધ થવાથી અંધેરી સબ-વે અને પાર્લાના બ્રિજનો ઉપયોગ કરવાની નોબત આવી છે. બ્રિજ જોખમી હોવાને કારણે બંધ કર્યો છે, પરંતુ લોકો માટે વિકલ્પ વધારે બચ્યા નથી, તેથી મેટ્રોમાં અવરજવર કરી રહ્યા છે, એવું અન્ય સ્થાનિકે જણાવ્યું હતું.
ગોખલે બ્રિજ-ફેક્ટ ચેક
– ૧૯૭૫માં બ્રિજનું નિર્માણ
– ૮૦ મીટર લાંબો અને ૨૫ મીટરની પહોળાઈ
– સાતમી નવેમ્બરે ગોખલે બ્રિજ બંધ
– પહેલા દિવસે મેટ્રોમાં ૨૦,૦૦૦ પ્રવાસી વધ્યા
– મેટ્રોમાં રોજના સરેરાશ ૩.૮૦ લાખ પ્રવાસીની અવરજવર
– અંધેરી રેલવે સ્ટેશનમાં રોજના ૩.૫૦ લાખ પ્રવાસીની અવરજવર
– ઘાટકોપર રેલવે સ્ટેશને રોજના ૩.૧૫ લાખ પ્રવાસીની અવરજવર
– જાન્યુઆરીથી બ્રિજનું તોડકામ ચાલુ કરવામાં આવશે
– પંદમી માર્ચ, ૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ તોડકામ પૂર્ણ કરવાની ડેડલાઈન

RELATED ARTICLES

Most Popular