મુંબઈઃ હાલમાં જ મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પ્રવાસી સામેની સીટ પર બેસેલા કપલ સાથે જીભાજોડી કરતો જોવા મળે છે.
વિસ્તારથી વાત જણાવવાની થાય તો યુવતી સામેની સીટ પર પગ મૂકીને બેઠી છે, અને સાથે પ્રવાસ કરી રહેલાં સહપ્રવાસીએ તેને પગ નીચે મૂકવા જણાવ્યું હતું. પરંતુ યુવતીએ તેની વાત તરફ દુર્લક્ષ કર્યું અને એથી ઉલટું આ કપલે પ્રવાસી સાથે જ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ પ્રવાસીએ તેમને પૂછ્યું કે તમે કોણ છો તો આ સવાલના જવાબમાં યુવતી જણાવે છે કે હું વકીલ છું અને અમે લોકો આ જ રીતે સીટ પર પગ મૂકીને પ્રવાસ કરીશું…
@MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr
— prashantwaydande (@prashantwaydan3) February 1, 2023
આ આખો ઝઘડો પ્રવાસીએ પોતાના મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો અને આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. પ્રવાસીએ આ વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરીને મધ્ય રેલવે અને મુંબઈ પોલીસને તેમાં ટેગ કર્યા છે. લોકલ ટ્રેનમાં સીટ પર પગ મૂકીને પ્રવાસ કરી રહેલી આ યુવતી વીડિયોના અંતમાં સહપ્રવાસીનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કરતી પણ જોવા મળે છે.
આ ઘટના બાદ મુંબઈ પોલીસે તપાસનો આદેશ આપ્યો છે. દરમિયાન આ પોસ્ટ પર લોકો પોત-પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તમે જે કર્યું એ યોગ્ય કર્યું છે. તો બીજા યુઝરે લખ્યું છે કે એ વકીલ છે પણ એની તેને જાણ જ નથી. વળી એક યુઝરે તો લખ્યું છે કે આવા લોકોને લોકલ ટ્રેનમાંથી ઉતારી મૂકવા જોઈએ. અત્યાર સુધી આ વીડિયો સેંકડો લોકો જોઈ ચૂક્યા છે.