સોમાલિયામાં મુંબઇ જેવો હુમલો, આતંકવાદીઓ દ્વારા હોટેલમાં ફાયરિંગ; 12 માર્યા ગયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઈ હુમલા જેવો જ એક આતંકી હુમલો સોમાલિયામાં થયો છે આતંકવાદીઓએ રાજધાની મોગાદિશુમાં  હોટલ હયાત પર હુમલો કરીને કબજો મેળવી લીધો છે. આ હોટલમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એવું પણ કહેવાય છે કે ઘાયલોમાં ઘણા વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. આ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા બાદ હોટેલ હયાતને સોમાલિયાની પોલીસ અને સેનાએ ઘેરી લીધી છે. રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદે મે મહિનામાં સત્તા સંભાળી હતી,  ત્યારપછીનો આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાથી સોમાલિયા હચમચી ગયું છે અને નાગરિકોમાં ભય અને આતંકનું વાતાવરણ સર્જાયું છે.

મળતી માહિતી મુજબ અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરોએ હોટલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. ત્યારબાદ બે કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જે બાદ ફરીથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અલ-કાયદા સાથે સંકળાયેલા અલ-શબાબે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સુરક્ષા અધિકારી અબ્દુલકાદિર હસને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ હજુ પણ હોટેલમાં જ છુપાયા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર ગોળીબાર ચાલુ છે. આ હુમલામાં મોટું નુકસાન થયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.