સાયનથી શખસનું અપહરણ કરીને રૂ. પંદર લાખની ખંડણી માગી: બે જણની ધરપકડ

આમચી મુંબઈ

મુંબઈ: દુબઇથી આવેલા ૪૭ વર્ષના શખસનું સાયન વિસ્તારમાંથી અપહરણ કરવા પ્રકરણે પોલીસે બે આરોપીની તમિળનાડુથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અબુ ઉર્ફે ઔરંગઝેબ અકબર અને વિજય વાસુદેવન તરીકે થઇ હોઇ તેઓ સોનાની દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા છે. પોલીસ હવે મુખ્ય આરોપી રાજાની શોધ ચલાવી રહી છે.
તેલંગણાનો વતની શંકર મથમલ્લા (૪૭) ૨૨ જૂને દુબઇથી મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો અને ત્યાંથી તે સાયન ગયો હતો, જ્યાંથી તે બસ પકડી પોતાના વતન જવાનો હતો. આની જાણ શંકરે તેના પુત્રને ફોન પર કરી હતી. જોકે તે ઘરે ન પહોંચતાં તેનો પુત્ર મુંબઈ આવ્યો હતો અને સાયન પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન શંકરના પુત્રને અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે તેના પિતા ચેન્નઇમાં છે. બાદમાં અજાણ્યા શખસે તેને ફોન કર્યો હતો અને પિતાનું અપહરણ થયું હોવાનું જણાવીને રૂ. પંદર લાખની ખંડણી માગી હતી. ખંડણીની રકમ મળ્યા બાદ તેના પિતાને હૈદરાબાદમાં છોડી દેશે, એવું ફોન પર જણાવાયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે શંકરને તમિળનાડુ લઇ જવાયો હતો અને અજાણ્યા સ્થળે તેને રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની મારપીટ કરવામાં આવી હતી. પોલીસે શંકરનો તમિળનાડુથી છુટકારો કરાવ્યો હતો. બાદમાં આ કેસમાં બે આરોપીની ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ શંકરને સોનાની દાણચોરી કરવા માટે ધમકાવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.