મહારાષ્ટ્ર રાજ્યમાં અને ખાસ કરીને મહાનગરી મુંબઇમાં ઓરીના કેસમાં ભારે ઉછાળો આવી રહ્યો છે. અને ઓરીને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 15 બાળકોના મોત મુંબઇની વિવિધ હૉસ્પિટલમાં થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર મોટા ભાગે 12થી 24 મહિનાની વચ્ચે છે.
દરમિયાનમાં ઓરીના વધતા કેસને નિયંત્રણમાં લેવા માટે રાજ્યના આરોગ્ય પ્રધાને 11 સભ્યના ટાસ્કફોર્સની રચના કરી છે અને યુદ્ધના ધોરણે પગાલ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ઓરીના રસીકરણની ઝુંબેશ પણ ચાલુ કરવામાં આવી છે.
મુંબઇના એમ ઇસ્ટ (ગોવંડી) વૉર્ડમાં ઓરીને કારણે સૌથી વધુ 8 બાળકના મૃત્યુ થયા હોવાથી રાજ્ય સરકારે આગામી દસ દિવસમાં અહીંના 30 હજાર બાળકોને ઓરીની રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. અહીં આરોગ્ય શિબિરો પણ ચાલુ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા ઘરે ઘરે જઇને જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે.
સખત તાવ આવવો, થાક લાગવો, ખાંસી, આંખો લાલ થવી, નાક સતત ગળવું, શરીર પર ચાઠાં પડવાં, ગળામાં ખીચખીચ, મોઢા પર સફેદ ચાઠાં, સ્નાયુમાં વેદના જેવાં લક્ષણો બાળકોમાં હોય તો તે ઓરી હોઇ શકે છે, તેથી બાળકોના માતા-પિતાએ આવા લક્ષણો તરફ દુર્લક્ષ નહીં સેવવું જોઇએ, અન્યથા બાળકોના જાનને જોખમ થઇ શકે છે, એમ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.