ભાડાંમાં વધારો કરો, નહીં તો ૧૫મી સપ્ટેમ્બરથી બેમુદત હડતાળ! મુંબઈ ટેક્સીમેન યુનિયનની ચીમકી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશોત્સવની સૌકોઈ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે ગણેશોત્સવ પછી સરકાર દ્વારા ટેક્સી-રિક્ષાનાં ભાડાં વધારાની માગણી સંતોષવામાં આવી નહીં તો રિક્ષા-ટેક્સી ચાલકો દ્વારા અનિશ્ર્ચિત મુદત માટે હડતાળ પર જવાની ચીમકી યુનિયન દ્વારા ઉચ્ચારી છે. સીએનજી (ક્રોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં થઈ રહેલા નિરંતર વધારાને કારણે કાળી-પીળી ટેક્સીચાલકોનું આર્થિક ભારણ પણ વધ્યું છે. ટેક્સી અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવા મુદ્દે પ્રશાસન તરફથી જો નમતું પગલું ભરવામાં આવશે નહીં તો પંદરમી સપ્ટેમ્બર, ૨૦૨૨થી બેમુદત હડતાળ પર જશે, એમ મુંબઈ ટેક્સીમેન યુનિયને મંગળવારે જણાવ્યું હતું.

ભાડાંમાં વધારા મુદ્દેનો પત્ર પ્રશાસનને પાઠવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારની સાથે, ટ્રાન્સપોર્ટ સચિવ, ટ્રાન્સપોર્ટ કમિશનર અને આરટીઓને મોકલ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ઘટાડો કર્યો છે, પરંતુ એ ઘટાડો બહુ સામાન્ય છે, તેથી ટેક્સી અને રિક્ષાચાલકોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. પહેલી માર્ચ, ૨૦૨૧માં કરેલા ભાડાવધારા પછી અત્યાર સુધીમાં સીએનજીના ભાડાંમાં કુલ ૩૨ રૂપિયાનો વધારો થયો છે, એમ મુંબઈ ટેક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વોડ્રોસે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

ટેક્સી અને રિક્ષાચાલકોને રોજના ૨૫૦થી ૩૦૦ રૂપિયા વધારે ખર્ચ કરવાની નોબત આવે છે, તેથી તેમને એકંદરે નુકસાન થઈ રહ્યું છે. હાલના ટેક્સીનું મિનિમમ ભાડું ૨૫ રૂપિયામાં દસ રૂપિયા વધારવાની પ્રશાસનને માગણી કરી છે. જો પ્રશાસન દ્વારા ભાડાંમાં વધારો કરવામાં નહીં આવ્યો તો ગણેશોત્સવ પછી બેમુદત હડતાળ પર જઈશું, એવું તેમણે જણાવ્યું હતું.

માર્ચ, ૨૦૨૧માં ટેક્સીના ભાડાં ૨૨ રૂપિયા હતા, ત્યાર બાદ ત્રણ રૂપિયા ભાડું વધારીને ૨૫ રૂપિયા કરવામાં આવ્યા હતા, જ્યારે રિક્ષાનું ભાડું ૧૮ રૂપિયા હતું, જેમાં ૨૧ રૂપિયા કરવામાં આવ્યું હતું. મુંબઈ ટેક્સીમેન યુનિયનમાં રજિસ્ટર્ડ ૪૯,૦૦૦ ટેક્સી અને બે લાખ જેટલી ઓટોરિક્ષા ચાલક છે, જ્યારે અન્ય તમામ યુનિયન પણ જોડાશે, એવું તેમણે જણાવ્યું હતું.

1 thought on “ભાડાંમાં વધારો કરો, નહીં તો ૧૫મી સપ્ટેમ્બરથી બેમુદત હડતાળ! મુંબઈ ટેક્સીમેન યુનિયનની ચીમકી

  1. 1- રીક્ષા- ટેક્સી ચાલકોના મીટર ની ચકાસણી થાય
    2- ભાડાં નકારવા વાળાને એક અઠવાડીયુ જેલ
    3- બોગસ પરમિટ- નંબરવાળા ચાલક- માલિક પર કાનુની કાર્યવાહી- કાયમી પરમિટ રદ્દ
    4- કાયદાના ઊલંઘન કરવાવાળા ને તડીપાર
    5- share rickshaw- taxi સામે આંખ આડા કાન કરવા વાળા ટ્રાફિક પોલીસ ને કાયમી પામીચુ આપી ઘરે બેસાડો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.