મુંબઈની હૉસ્પિટલો ડેન્ગ્યૂની સૂપર સ્પ્રેડર?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મચ્છરોની મોસમ આવી: હૉસ્પિટલની તબીબી ટીમને સુરક્ષિત રાખવા પેસ્ટ કંટ્રોલ ખાતાની ઝુંબેશ: નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

સપના દેસાઈ

મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી ડેન્ગ્યૂના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે મુંબઈને સુરક્ષિત રાખતી હૉસ્પિટલો જ ડેન્ગ્યૂની સુપર સ્પ્રેડર બની રહેવાનો ડર પાલિકાને સતાવી રહ્યો છે અને તેને માટે હૉસ્પિટલના કર્મચારીઓને ડેન્ગ્યૂની ચપેટમાં આવતા બચાવવા માટે પેસ્ટ કંટ્રોલ ટીમ હૉસ્પિટલ પરિસરોમાં વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે અને નાગરિકોને મચ્છરોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈમાં મલેરિયાના ડેન્ગ્યૂના કેસ વધી રહ્યા છે. તેથી મુંબઈમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈના અમુક વિસ્તારમાં ડેન્ગ્યૂના દર્દી વધુ નોંધાઈ રહ્યા છે. તેથી પાલિકાના પેસ્ટ કંટ્રોલ ખાતા દ્વારા તે સ્થળે ડેન્ગ્યૂના લાર્વા શોધવાનું કામ કરવામાં આવી રહ્યું છે પણ એ સાથે જ હવે પાલિકાએ સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ પાલિકાની અને સરકારી હૉસ્પિટલોમાં તપાસ કરવામા આવી રહી છે. ડેન્ગ્યૂના દર્દીની સંખ્યાને કારણે હૉસ્પિટલોમાં તેમ જ પ્રસૂતિગૃહમાં અને આસપાસના પરિસરમાં પેસ્ટ કંટ્રોલ ખાતા તરફથી ભરાઈ રહેલાં પાણીને શોધીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં ૧૮ તારીખ સુધી મલેરિયાના ૩૯૮ અને ડેન્ગ્યૂના ૧૩૯ નવા દર્દી નોંધાયા છે. તો ગૅસ્ટ્રોના ૨૦૮ નવા દર્દી નોંધાયા છે. જાન્યુઆરથી ૧૮ સપ્ટેમ્બર સુધી મલેરિયાના ૨૯૯૦ અને ડેન્ગ્યૂના ૪૯૨ જેટલા દર્દી નોંધાયા છે. તો મલેરિયાથી એક તો ડેન્ગ્યૂથી બેનાં મોત થયાં છે.

મુંબઈ મહાનગરપાલિકાના પેસ્ટ કંટ્રોલ ખાતાના ચીફ ઓફિસર રાજન નારિંગ્રકરે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તેથી મલેરિયા અને ડેન્ગ્યૂની બીમારીએ માથું ઊંચક્યું છે. ભારે વરસાદની સાથે જ હવે શિયાળો પણ નજીકમાં છે. ડેન્ગ્યૂ એડિસ મચ્છરોથી ફેલાય છે. હાલ ડેન્ગ્યૂના દર્દી વધી રહ્યા છે, તે માટે એડિસ મચ્છરોનો એક્ટિવ ટ્રાન્મીશન પિરિયડને પણ કારણ માનવામાં આવે છે. તેથી પાલિકાએ આ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે.

રાજન નારિંગ્રકરે વધુમાં જણાવ્યું હતું કે ડેન્ગ્યૂના કેસ વધી રહ્યા છે, એ સાથે જ પાલિકાની મુખ્ય હૉસ્પિટલ સહિત ઉપનગરીય હૉસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે દાખલ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. તેથી સારવાર લઈ રહેલા ડેન્ગ્યૂ દર્દીને કરડેલા મચ્છર જો ત્યાં ફરજ બજાવી રહેલા ડૉક્ટર, નર્સ અથવા હૉસ્પિટલના અન્ય કર્મચારી અને દર્દીના સંબંધીઓને કરડે તો તે બીમારી ફેલાઈ શકે છે. તેથી પ્રતિબંધાત્મક સુરક્ષાના ઉપાય તરીકે તમામ હૉસ્પિટલના તેમ જ તેના પરિસરમાં ભરાઈ રહેલા પાણીનાં સ્થળ શોધવાનો અને જેમાં પાણી ભરાઈ રહે તેવી વસ્તુઓનો નિકાલ કરવાની સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી ૧૫ દિવસ આ ઝુંબેશ ચાલે એવી શક્યતા છે.

સામાન્ય રીતે દર ૧૫ દિવસે ડેન્ગ્યૂ અને મલેરિયાની પાર્શ્ર્વભૂમિ પર હૉસ્પિટલના અંદર અને બહારના પરિસરમાં તપાસ કરવામાં આવતી હોય છે અને પાણી ભરાઈ જાય તેવા ભંગારના સામાન સહિત તમામનો નિકાલ લાવવામાં આવતો હોય છે. તેમ જ દવાનો છંટકાવ કરતા હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી ડેન્ગ્યૂના દર્દી વધી રહ્યા છે તેથી આ સ્પેશિયલ ઝુંબેશ ૧૯ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવામાં આવી છે.
પાલિકાનાં સૂત્રોના જણાવ્યા મુજબ ડેન્ગ્યૂના બીમારીથી અત્યાર સુધી નાયર હૉસ્પિટલમાં છ રેસિડન્ટ ડૉક્ટરોને ચેપ લાગ્યો છે. નાયર સહિત કે.ઈ.એમ. હોસ્પિટલમાં ડૉક્ટરોને ડેન્ગ્યૂનો ચેપ લાગ્યો છે.

 

પહેલી જાન્યુઆરીથી ૧૬ સપ્ટેમ્બર આટલા સ્થળ તપાસ્યા

મલેરિયાનો ફેલાવો થવા માટે એનોફિલીસ મચ્છરને નિયંત્રણમાં રાખવું આવશ્યક છે. તે માટે પાલિકાએ કૂવા, પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પૂલ જેવા ૩,૨૦,૪૬૪ સ્થળોની તપાસ કરી હતી, જેમાંથી ૯,૦૯૪ સ્થળોએ એનોફિલીસ મચ્છરોની ઉત્પત્તિના સ્થળ મળ્યા હતા. ડેન્ગ્યૂના ફેલાવો કરનારા એડિસ મચ્છરોના ઉત્પત્તી સ્થળ શોધી કાઢવા માટે પાણીના પીપ, ટાયર, ફેંગશૂઈ ઝાડ, મની પ્લાન્ટ જેવા ૯૨,૯૬,૦૧૬ સ્થળ તપાસ્યા હતા, તેમાંથી ૬૧,૫૮૦ સ્થળ પર એડિસ મચ્છરોની ઉત્પત્તિના સ્થળ મળી આવ્યા હતા.

 

લાખો દંડ વસૂલ્યો

પાલિકાના પેસ્ટ કંટ્રોલ ખાતાના ચીફ ઓફિસર રાજન નારિંગ્રકરે જણાવ્યું હતું કે ૩૧ ઑગસ્ટ, ૨૦૨૨ સુધીમાં ૧૦,૧૧૧ લોકોને નોટિસ ફટકારી હતી. તો અત્યાર સુધી ૭૨૧ લોકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે, જયારે ૧૨,૧૫,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.