મુંબઈઃ આપણી ન્યાયવ્યવસ્થા પર આપણો વિશ્વાસ હોવો જ જોઈએ, પરંતુ ઘણી વખત આ ન્યાયવ્યવસ્થા દ્વારા એવા એવા ચૂકાદા આપવામાં આવે છે કે જેના વિશે જાણી આપણે પણ અવઢવમાં મૂકાઈ જઈએ છીએ. આવો જ એક ચૂકાદો હાલમાં મુંબઈ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
સાંતાક્રુઝ ખાતે રહેતાં વેપારીનો રોટવેલર પ્રજાતિનો શ્વાન એક સિનિયર સિટીઝનને કરડ્યો હતો અને આ માટે કોર્ટે વેપારીને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. આ ઘટના તેર વર્ષ પહેલાંની છે. સાંતાક્રુઝ નિવાસી વેપારી અને તેના સંબંધી રસ્તા પર એક જૂની પ્રોપર્ટી મામલે ઝઘડી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
કારમાં રહેલાં રોટવેલર પ્રજાતિનો હિંસક ગણાતા શ્વાનને માલિકે અચાનક છોડી દીધો હોવાને કારણે તેણે સિનિયર સિટીઝન પર હુમલો કરીને તેના હાથ-પગ પર ત્રણ વખત બચકાં ભર્યા હતા. આ હુમલાને કારણે વરિષ્ઠ નાગરિકને ખાસી એવી ઈજા પહોંચી હતી.
તેર વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આખરે કેસમાં કોર્ટે શ્વાનના માલિકને દોષી ઠેરવીને સજા ફટકારી હતી. ચૂકાદો આપતા કોર્ટે જણાવ્યું હતું કે માલિકને તેનો શ્વાન આક્રમક પ્રજાતિનો છે એની પૂરીપૂરી માહિતી હતી તેમ છતાં તેમણે તેની પૂરતી કાળજી લીધી નહીં. કોર્ટે પેર્સી હોરમુસ્જી (44)ને દોષી ઠેરવીને આ ચૂકાદો આપ્યો હતો. જ્યારે તેમના 72 વર્ષીય સંબંધીનું નામ કેર્સી ઈરાણી છે.