મુંબઈ તરબોળ

દેશ વિદેશ

ભારે વરસાદની આગાહી- રત્નાગિરિ, રાયગઢમાં રેડ અલર્ટ

વરસાદનું વિઘ્ન:
મુંબઈમાં મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે અંધેરીના સબવેમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદ વચ્ચે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા મુંબઈગરાઓ. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: દેશના આર્થિક પાટનગર અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે પડેલા વરસાદથી સામાન્ય જનજીવનને માઠી અસર થઈ હતી. હવામાન ખાતાએ સાત અને આઠ જુલાઈએ પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. રત્નાગિરિ અને રાયગઢમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. મહાબળેશ્ર્વર જેવા ગિરિમથકે સારો વરસાદ પડી રહ્યો છે. કોયના બંધમાં જળસપાટી ઘણી વધી ગઈ છે. રાયગઢના તળામાં મંગળવારે સવારે ૮-૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન ૨૪૫ મિ.મી. વરસાદ થયો હતો.
મંગળવારે સવારે આઠ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા દરમિયાન (સાડાત્રણ કલાકમાં) મુંબઈમાં ૪૧ મિ.મી. વરસાદ પડ્યો હતો. એ જ સમયગાળામાં મુંબઈનાં પૂર્વ અને પશ્ર્ચિમ પરાં વિસ્તારમાં અનુક્રમે ૮૫ મિ.મી. અને ૫૫ મિ.મી. વરસાદ પડ્યો હતો. આવનારાં પાંચ દિવસ મહારાષ્ટ્રના
અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ સોમવારે આગાહી કરી હતી.
ઘાટ વિસ્તારમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ કોલ્હાપુરમાં એનડીઆરએફની બે ટુકડી ગોઠવી દેવામાં આવી હતી.
ઘાટ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની ઘટના બને તેવી શક્યતા છે અને અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાવાની પણ શક્યતા છે.
મંગળવારે સવારે આઠ વાગે પૂરા થયેલા ૨૪ કલાકમાં મુંબઈમાં ૯૫.૮૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. એ જ સમયગાળામાં મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ પરાં વિસ્તારમાં અનુક્રમે ૧૧૫.૦૯ મિ.મી. અને ૧૧૬.૭૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
જોકે, મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવા સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન ત્રણે લાઈન પર આંશિક રીતે ખોરવાઈ હતી, એમ સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે કહ્યું હતું.
સેન્ટ્રલ રેલવેના સાયન, કુર્લા, તિલકનગર અને વડાલામાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનસેવા પ્રભાવિત થઈ હતી.
હાર્બર લાઈનમાં પણ પનવેલ, ખાંડેશ્ર્વર અને માનસરોવર સ્ટેશનના સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં.
મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ સરેરાશ ૭૫ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતાં ‘બૅસ્ટ’ બસસેવાએ પણ અનેક બસના રૂટ બદલવા પડ્યા હતા. અનેક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાને કારણે વાહનવ્યવહાર ધીમો રહ્યો હતો. વાહનવ્યવહારનું નિયમન કરવા ઠેકઠેકાણે ટ્રાફિક પોલીસને કામ પર લગાડવામાં આવ્યા હતા.
થાણે તેમ જ તેની આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક જગ્યાએ ઝાડ પડવાની અને દીવાલ ધસી પડવાની ઘટના બની હતી. એકલા થાણે શહેરમાં જ આવી છ ઘટના નોંધાઈ હતી.
સોમવારે મુંબ્રામાં દીવાલ ધસી પડવાને કારણે અસર પામેલા પરિવારના ૧૭ જણને સ્થાનિક સરકારી સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.