મુંબઈ માટે દર વર્ષે ચોમાસાનો વરસાદ આફત બનીને આવે છે. સોમવાર સાંજથી થઇ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. માર્ગો પર ભારે પાણી ભરાયા છે. સાયન અને અંધેરીના સબ-વેમાં ભારે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ચોમાસાના વરસાદની આડ અસર મુંબઈમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય કલાકોથી પડેલા વરસાદને પગલે વિવિધ સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગલીઓથી લઈને પહોળા રસ્તાઓ સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું છે. દહિસરથી લઈને આનંદ નગર, ચેમ્બુર-કાંદીબલી સુધીના લોકોને પણ પાણી ભરાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(મંગળવારે) 5 જુલાઈએ મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈના અંધેરી, સાયન, ચેમ્બુર અને કુર્લાના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર વચ્ચે વરસાદ ચાલુ છે.

YouTube player

રસ્તાઓ પર ભારે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. ઘણી જગ્યાએ લોકોને ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો છે. નવી મુંબઈના ખંડેશ્વર રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મની વચ્ચે એક તળાવ બની ગયું છે. સાથે જ રેલવે સ્ટેશન તરફ જતા સાનપાડા સબ-વેની હાલત પણ ખરાબ છે.
દરમિયાનમાં ઘાટકોપરમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) PROએ જણાવ્યું હતું કે મુંબઈમાં અવિરત વરસાદ અને તેના કારણે પાણી ભરાઈ જવાને કારણે સાયન રોડ નંબર 24, શેલ કોલોની અને ચેમ્બુરમાં કુલ 8 રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે પોતાની 5 દિવસની આગાહીમાં જણાવ્યું છે કે શુક્રવાર સુધી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ પડી શકે છે. નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને એલર્ટ રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપી છે. આ સાથે નદીઓના પાણીના સ્તર પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

Google search engine