Homeઆમચી મુંબઈનિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૫૮ હૉટેલ અને રૅસ્ટોરાંને ફાયરબ્રિગેડની નોટિસ

નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૫૮ હૉટેલ અને રૅસ્ટોરાંને ફાયરબ્રિગેડની નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈની હજી પણ અનેક હૉટેલો અને રૅસ્ટોરાં ફુલ ફાયરપ્રૂફ નથી. મુંબઈ ફાયર બિગ્રેડ દ્વારા વખતોવખત મુંબઈની હૉટેલોમાં ફાયર સૅફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવતી હોય છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ૧૫૮ હૉટેલ અને રૅસ્ટોરાંમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું.
મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ના મુંબઈની ૭૮૬ જુદી જુદી હૉટેલ અને રૅસ્ટોરાંની તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન ૧૫૮ હૉટેલ, રૅસ્ટોરાંમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ બંધ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ તમામ ૧૫૮ હૉટેલ, રૅસ્ટોરાંના માલિકોને ફાયર ઍક્ટ મુજબ નોટિસ મોકલવામાં આવી છે. તેમને ૬૦થી ૧૨૦ દિવસની અંદર ફાયર સૅફ્ટી સિસ્ટમ ચાલુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્યથા સંબંધિત હૉટેલ, રૅસ્ટોરાંનું વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે.
આ દરમિયાન મુંબઈની ૧૪૭ ઈમારતની પણ તપાસ કરવામાં આવી હતી, તેમાં ૬૩ બિલ્ડિંગમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવતા તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી આગ લાગવાની દુર્ઘટનાનું પ્રમાણ વધી ગયું છે, જેમાં ૮૦ ટકા આગની દુર્ઘટના સદોષ વાયરિંગને કારણે થયું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી ઘર અથવા હૉટેલ, રૅસ્ટોરાંની સજાવટમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ નહીં કરવાની સલાહ ફાયર બ્રિગેડ વખતોવખત આપતી હોય છે.
અગાઉ બે ડિસેમ્બર, ૨૦૨૨ના ફાયર બ્રિગેડે હૉટલ, રૅસ્ટોરાં સહિત રહેણાક ઈમારતની તપાસ કરી હતી. એ દરમિયાન ૪૪૦ હૉટેલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૯૨ ઠેકાણે ફાયર સૅફ્ટી સિસ્ટમ બંધ હોવાનું જણાયું હતું. તો ૯૮ હાઉસિંગ સોસાયટીની બિલ્ડિંગમાં કરવામાં આવેલી તપાસમાં ૪૦ ઠેકાણે ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular