Homeઆમચી મુંબઈનવા વર્ષના પહેલાં જ દિવસે ઠંડીનો ચમકારો

નવા વર્ષના પહેલાં જ દિવસે ઠંડીનો ચમકારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવા વર્ષનાં આગમન સાથે જ મુંબઈમાં તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો તેને કારણે વહેલી સવારે મુંબઈગરાએે કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં પણ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ઊતરી ગયો હતો. આ દરમિયાન હવામાન ખાતાએ છ જાન્યુઆરી પછી મહારાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો સતત ઉપર-નીચે થઈ રહ્યો છે. ડિસેમ્બર લગભગ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે મુંબઈ સહિત રાજ્યમાં શિયાળાનું આગમન થયું હોવાનું જણાયું હતું. શનિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે, જેમાં મુંબઈમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૧૫.૦૬ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. દિવસ દરમિયાન મુંબઈમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા.
હવામાન ખાતાના કહેવા મુજબ રવિવારે દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫.૦૬ ડિગ્રી અને કોલાબામાં ૧૮.૦૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી અને કોલાબામાં ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે મુંબઈમાં વહેલી સવારે અને મોડી સાંજે અનેક જગ્યાએ લોકો તાપણાં કરતા દેખાયા હતા. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં તાપમાન નીચું જ રહેશે.

મહારાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળશે
રાજ્યમાં પણ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ઊતરી ગયો હતો. સૌથી નીચું તાપમાન ઔરંગાબાદમાં ૧૦.૭ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાન ખાતાના કહેવા મુજબ દેશના અનેક વિસ્તારમાં ઠંડીનો કડાકો બોલાયો છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર મુંબઈ સહિત રાજ્યને વર્તાઈ રહી છે. છ જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે, જેમાં ખાસ કરીને વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે.

મુંબઈ-નવી મુંબઈની હવાની ગુણવત્તા કથળી
છેલ્લા થોડા દિવસથી મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. મુંબઈની હવા જોખમી બની રહી હોવાથી દમ, અસ્થમા જેવી બીમારી ધરાવતા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ વધી ગઈ છે. વધતા પ્રદૂષણને કારણે મુંબઈની હવાની ગુણવત્તાએ ૩૦૦નો આંક પાર કર્યો હતો. તો નવી મુંબઈની હવાની ગુણવત્તાનો આંક ૩૪૦ એટલે કે અતિશય ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો હતો. રવિવારે મુંબઈ શહેરનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૧૮૬ નોંધાયો હતો. મલાડમાં એક્યુઆઈ ૨૦૪, બીકેસીમાં એક્યુઆઈ ૨૬૯, ચેંબુરમાં એક્યુઆઈ ૨૮૬ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular