(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેના વિકાસાર્થેના મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી-થ્રી)ના ઝડપથી અમલીકરણ માટે શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મધ્ય રેલવેના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રેલવેના વિકાસ, વિસ્તરણ તથા જરૂરી પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનું ગઠન કરવામાં આવ્યું છે. એમયુટીપી-થ્રી પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે રેલવેની સાથે હવે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા દાખવી છે, જે અંતર્ગત મધ્ય રેલવેમાં કલ્યાણમાં યાર્ડનું નિર્માણ કરવામાં આવશે. કલ્યાણ-બદલાપુર વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન, કલ્યાણ-આસનગાંવ વચ્ચે ચોથી લાઈન તથા કલ્યાણ-ઐરોલીની વચ્ચે એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરવાની યોજના છે. હાલના તબક્કે આ કોરિડોરનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં ગતિ નથી. આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મધ્ય રેલવેના ડિવિઝનલ જનરલ મેનેજર રજનીશ ગોયલ સાથે ચર્ચા-વિચારણા કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈના વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટને પૂરા કરવામાં જરૂરી ભંડોળ ફાળવણી નહીં કરવાને કારણે પ્રોજેક્ટ અટકી પડ્યા હતા, પરંતુ ફેબ્રુઆરીમાં ૬૦૦ કરોડ રૂપિયા આપ્યા પછી જુલાઈમાં ૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ૩૦૦ કરોડ રૂપિયાના ભંડોળ એમયુટીપી-ટૂ પ્રોજેક્ટ માટે હતી.