મુંબઈઃ સોમવારે તૂર્કેયમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આજે ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં પણ ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. પરંતુ જો આવો જ ભૂકંપ જો બે કરોડની વસતી ધરાવતા અને દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આવે તો મુંબઈ આના માટે કેટલી સજ્જ છે અને સુરક્ષિત છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આ સવાલ બધાને જ થઈ રહ્યો છે અને એ માટે જ મુંબઈ આઈઆઈટી અને કેટલાક નિષ્ણાતોએ મળીને મુંબઈના ભૂકંપના અભ્યાસ કરીને એક અહેવાલ તૈયાર કર્યો છે.
મુંબઈમાં ઈસવીસન 1600 દરમિયાન તૂર્કેય સીરિયા જેટલો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાની નોંધ કરાઈ છે અને ત્યાર બાદ નાના-મોટા ભૂકંપના આંચકા મુંબઈ અને થાણા અનુભવાયા હતા અને આ આંચકા ચાર રેક્ટર સ્કેલ સુધીના હતા. એટલે જ ભૂંકપની દૃષ્ટિકોણએ જોવા જઈએ તો મુંબઈ અને આસપાસના પરિસરને સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી છે, એવો મત અભ્યાસકો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
શું છે મુંબઈની હાલત?
મુંબઈએ ભૂકંપની દૃષ્ટિએ ભૂ્કંપના નક્શા ઝોન 3માં આવે છે એટલે એનો અર્થ એવો થાય છે કે મુંબઈમાં ભૂકંપનું જોખમ મધ્યમ છે પરંતુ ગીચ લોકસંખ્યાને કારણે અહીં માલહાનિ અને જાનહાનિ થવાની શક્યતા સૌથી વધુ રહેલી છે જેને કારણે તેને સંવેદનશીલ માનવામાં આવે છે. પૃથ્વીના કવચમાંથી પનવેલ સુધી, ઉત્તરમાં કોપરખૈરણે અને ભિવંડીમાં એક્ટિવ ફોલ્ટ લાઈન છે. ફોલ્ટ લાઈન એટલે એવો વિસ્તાર કે જ્યાં બે ટેક્ટોનિક પ્લેટેસ એક સાથે આવે છે. જેથી ભૂકંપ જેવી પ્રક્રિયા થઈ શકે છે. મુંબઈ અને આસપાસના પરિસર આવી કુલ 31 ફોલ્ટ લાઈન છે.મુંબઈના કયા વિસ્તારને છે જોખમ?
મુંબઈએ ટાપુઓનું શહેર છે. સાત ટાપુઓ મળીને આ શહેર બનાવવામાં આવ્યું છે અને એ સમયે અનેક ઠેકાણે ભરણી કરવામાં આવી છે અને આ ભરણીવાળા સ્થળોએ જ ભૂકંપનું જોખમ વધુ હોય છે. મુંબઈમાં જો ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપનો આંચકો આવે તો મુંબઈના પૂર્વ ઉપનગરમાં આવેલા શહેરો અને તેમાં પણ ખાસ કરીને શિવાજી નગર, ગોવંડી, ઘાટકોપર, ભાંડુપ, વિદ્યાવિહાર અને મુલુંડ જેવા શહેરો પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું હતું. આ સિવાય થાણે પાસે ખાડી નજીકનો ભાગ અને નવી મુંબઈના કેટલાક હિસ્સાનો પણ એમાં સમાવેશ થાય છે.ભૂકંપ ના આવે એ માટે શું તકેદારી રાખવી?
ભૂકંપના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો મુંબઈને સુરક્ષિત રાખવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. મુંબઈની વસતી અને ગગનચૂંબી ઈમારતોને ધ્યાનમાં લઈને આ ઈમારતો ભૂકંપના આંચકાઓ કેટલી હદે સહન કરી શકશે એ બાબતે નિષ્ણાતો પાસેથી ઈમારતોની તપાસ કરાવવી જરૂરી છે. નવી ઊંચી ઈમારતો બનાવતી વખતે તેનો પાયો કેટલી હદે સુરક્ષિત છે એનો અભ્યાસ કરીને ઈમારતને ભૂકંપના આંચકાથી સુરક્ષિત રાખવા માટે નિષ્ણાતો પાસેથી સલાહ લેવી આવશ્યક છે.