મધ્ય રેલવેમાં ૧૦ એસી લોકલની સર્વિસ વધારવાનો નિર્ણય મોકૂફ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજકીય પક્ષો અને પ્રવાસી સંગઠનોના આક્રમક વિરોધને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે વહીવટી પ્રશાસન દ્વારા ગયા શુક્રવારે વધારેલી નવી એસી ટ્રેનની સર્વિસીસને મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એસી લોકલના બદલે હવેથી સામાન્ય એટલે નોન-એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

ગયા શુક્રવારથી મધ્ય રેલવેમાં નોન-એસીના બદલે એસી લોકલની ૧૦ સર્વિસ વધારવામાં આવી હતી. જોકે, શુક્રવારે જ કલવા કારશેડમાંથી એસી લોકલ ટ્રેન થાણે રવાના કરવામાં આવ્યા પછી પ્રવાસીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો તથા ટ્રેક પર ધસી જઈને ટ્રેનને રોકી હતી. પ્રવાસીઓના વિરોધને કારણે ટ્રેનને ૨૦ મિનિટ મોડી પડી હતી, ત્યાર બાદ મંગળવારે બદલાપુરમાં પ્રવાસીઓએ એસી લોકલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મંગળવારની માફક બુધવારે પણ પ્રવાસીઓએ વિરોધ કર્યા પછી પ્રશાસન દ્વારા તત્પુરતા ૧૦ વધારેલી નવી એસી લોકલ દોડાવવાના નિર્ણયને સ્થગિત રાખ્યો હતો. એસી લોકલના બદલે હવે તેના નિયત સમય પ્રમાણે રેગ્યુલર લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

એસી લોકલની નવી સર્વિસ વધારવા મુદ્દે વધુ ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે. મધ્ય રેલવેની મેઈન લાઈનમાં અગાઉના માફક ૫૬ સર્વિસ દોડાવવામાં આવશે, જ્યારે ૧૯મી ઑગસ્ટ (શુક્રવાર)ના શરૂ કરેલી બદલાપુર/થાણે-સીએસએમટી સેક્શનની એસી લોકલ ટ્રેનને રદ કરી છે, એમ તેમણે સ્પષ્ટતા કરી હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.