મુંબઈઃ પાટનગર દિલ્હીમાં જાન્યુઆરી, 2020માં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં વિદ્યાર્થી પરના હુમલાના વિરોધમાં ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતેના પ્રદર્શનમાં સામેલ 36 લોકોની સામેના કેસ પાછા લેવાની મુંબઈ પોલીસની અરજીને કોર્ટે મંજૂરી આપી દીધી છે.
આ અરજીમાં પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ વ્યક્તિગત હિત અથવા લાભ વિના કથિત કૃત્ય કર્યું હતું. એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. વી. ડિંડોકરે આ મહિનાની શરુઆતમાં કેસ પાછા લેવાની અરજીને મંજૂરી આપી હતી. કોર્ટના આદેશની નકલ તાજેતરમાં ઉપલબ્ધ થઈ હતી. કોર્ટમાં પોલીસવતીથી દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ વ્યક્તિઓએ વિના કોઈ વ્યક્તિગત હિત અથવા લાભના પ્રદર્શન અન્વયે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કોઈ જાનહાનિ અથવા જાહેર સંપત્તિને કોઈ નુકસાન થયું નહોતું. આ અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે કથિત કૃત્ય સામાજિક અને રાજકીય પ્રકૃતિના છે અને પ્રોસિક્યુશન કેસને આગળ વધારવા માગતા નથી અને કેસને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. કોર્ટે આ મુદ્દે નોંધ્યું હતું કે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે છે અને કેસ પાછો ખેંચવાને કારણે કેસ બરતરફ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી જાન્યુઆરી, 2020માં જેએનયુમાં હિંસાના વિરોધમાં મુંબઈની વિવિધ કોલેજના વિદ્યાર્થીએ ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ તપાસ કરીને ડિસેમ્બર, 2020માં 36 લોકો સામે આરોપનામું દાખલ કર્યું હતું.