(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૩-૨૪ના અર્થસંકલ્પિય બજેટ માટે મુંબઈગરા પાસેથી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો પોતાના સૂચનો લેખિતમાં અથવા ઈ-મેલના માધ્યમથી મોકલી શકશે.
મુંબઈ મહાનગરપાલિકામાં હાલ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ એડમિનિસ્ટર તરીકે કારભાર ચલાવી રહ્યા છે. કદાચિત પહેલી વખત પાલિકાએ બજેટ જાહેર કરવા અગાઉ નાગરિકો પાસેથી પ્રશાસને સૂચનો મંગાવ્યા છે.
હાલ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે મુંબઈ મહાનગરપાલિકા આવક અને ખર્ચનો અંદાજ તૈયાર કરી રહી છે. આ બજેટ પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૩ પહેલા રજૂ કરવામાં આવવાનું છે.
પ્રશાસનના કહેવા મુજબ બજેટમાં નાગરિકો પણ સહભાગી થઈ શકે એટલે તેમને સૂચનો આપવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈગરા બજેટ માટે પાલિકાને [email protected] ઈમેલ પર સૂચનો આપી શકશે. તો જે નાગરિકો લેખિતમાં સૂચના મોકલવા ઈચ્છતા હોય તેઓ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી પાલિકાના ફોર્ટમાં આવેલા મુખ્યાલયમાં નવી બિલ્ડીંગમાં ચોથા માળા પર ચીફ ઍકાઉન્ટન્ટના નામ પર મોકલી શકે છે.
પાલિકાએ લોકો પાસેથી સૂચનો મગાવ્યા છે, ત્યારે અનેક ભૂતપૂર્વ નગરસેવકોએ એવી ફરિયાદ કરી હતી કે પાલિકા દ્વારા મોટાભાગનું બજેટ તૈયાર થઈ ગયું હશે. બજેટને હવે માંડ પખવાડિયું રહ્યું છે ત્યારે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા બાદ તેનો અમલ કયારે કરશે.