Homeઆમચી મુંબઈમુંબઈના આ ઠેકાણેના વડાપાઉં ટ્રાય કર્યા કે, નહીં? એક વખત ચોક્કસ ચાખી...

મુંબઈના આ ઠેકાણેના વડાપાઉં ટ્રાય કર્યા કે, નહીં? એક વખત ચોક્કસ ચાખી જો જો…

મુંબઈ… આમ તો સપનાંઓના શહેર તરીકે ઓળખાતા આ શહેર કોઈ બીજી ઓળખનું મોહતાજ નથી. પણ તેમ છતાં જો મુંબઈની ઓળખ જ જણાવવી હોય તો વડાપાઉં વિના તો તે અધૂરી જ ગણાય.
વડાપાઉંના ઇતિહાસ વિશે વાત કરીએ તો વડાપાઉંની જન્મભૂમિ દાદર હોવાનું કહેવાય છે અને પહેલી વખત વડાપાઉં બનાવીને તેને લોકો સુધી પહોંચાડનાર તેના જનકનું નામ છે અશોક વૈદ્ય વડાપાઉં ઠેલાથી થઈ હતી અને પહેલી વખત 1971માં વડાપાઉં બનાવવામાં આવ્યો હતો. પાઉંનો સંબંધ પોર્ટુગલ સાથે છે અને પોટેટો એટલે કે બટાટા ભારતમાં ડચથી આવ્યા. પણ હા, વડા, પાઉં અને ચટણીને એક તાંતણે બાંધવાનો શ્રેય તો આમચી મુંબઈને જ જાય છે.
વડાપાઉં મુંબઈગરાને એટલો બધો પસંદ પડી ગયો કે તેમણે 23મી ઓગસ્ટને વર્લ્ડ વડાપાઉં ડે તરીકે સેલિબ્રેટ કરવાનું નક્કી કરી લીધું. આવો જોઈએ આજે મુંબઈની ઓળખ સમાન બની ગયેલા કેટલાક ફેમસ વડાપાઉંના સ્ટોલ્સ, જ્યાં સ્વાદરસિયા મુંબઈગરા પોતાની જીભનો ચટાકો પૂરો કરવા માટે લાઈનોમાં સુદ્ધાં ઊભા રહેવા તૈયાર હોય છે…
ર્કિતી કોલેજ, દાદર
દાદરમાં આવેલા ર્કિતી કોલેજની બહાર આવેલાં 35 વર્ષ જૂના વડાપાઉંના સ્ટોલથી શરુઆત કરીએ. સાડાત્રણ દાયકા સુધી હજારો લોકોને પોતાના હાથે બનાવેલા વડાપાઉં ખવડાવી ચૂકેલા અશોક ઠાકુરના વડાપાઉંનો ટેસ્ટ એટલો સ્વાદિષ્ટ છે કે જેકી શ્રોફ, માધુરી દિક્ષીત સહિતના સેલિબ્રિટીઓ પણ જ્યારે વડાપાઉં ખાવાની ઈચ્છા હોય તો અશોકભાઈ પાસે જ આવે છે. એટલું જ નહીં પણ રાત-દિવસ લોકો માત્ર અશોકભાઈના વડાપાઉં ખાવા માટે હસતાં મોઢે લાઈનમાં ઊભા રહે છે.
સીટીઓના વડાપાઉં, ફોર્ટ
સીટીઓ વડાપાઉંનું નામ સાંભળોને નાકમાં સીધી લસણની સૂકી ચટણીની સુગંધ અને જીભ પર તીખાશ તરી આવ્યા વિના નહીં રહે. અશોકભાઈ સાટમ વર્ષોથી સીટીઓની બહાર જ પોતાનો નાનકડો વડાપાઉંનો સ્ટોલ ચલાવે છે અને તેને કારણે આજે પણ આ વડાપાઉં સીટીઓ વડાપાઉંના નામે જ ઓળખાય છે. હાઈકોર્ટના મોટા-મોટા વકીલોથી માંડીને આસપાસમાં આવેલી અન્ય ઓફિસોના સાહેબો સુધી અશોકભાઉ તેમના ગરમાગરમ અને તીખા તમતમતા વડાપાઉંના માધ્યમથી પહોંચી ગયા છે. ઓફિસમાં કોઈની સેન્ડઓફ પાર્ટી હોય કે પછી અન્ય કોઈ ખુશહાલીની ઊજવણી સીટીઓના વડાપાઉં વિના આ ઊજવણી સાવ ફિકી પડી જાય છે. લસણની સૂકી ચટણી ઉપરાંત આ વડાપાઉંની ખાસિયત વિશે વાત કરવાની થાય તો અશોકભાઉ તેમના ગ્રાહકોને ગરમાગરમ વડાપાઉં જ પીરસવાનો આગ્રહ રાખે છે. બપોરના લંચ ટાઈમ કે સાંજે ઓફિસ છૂટવાના સમયે જો તમે સીટીઓના વડાપાઉં ખાવા જશો તો તો અડધો કલાકનું વેઈટિંગ લિસ્ટ તો પાકું જ હં…
ગ્રેજ્યુએટ વડાપાઉં, ભાયખલા
ભાયખલા રેલવે સ્ટેશનની નજીક જ આવેલો છે આ ગ્રેજ્યુએટ વડાપાઉં. પ્લેટફોર્મ નંબર એકથી નીકળો એટલે દૂર એક નાનકડા સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળશે, ત્યાં જ નજીકમાં ગરમાગરમ તેલમાં વડા તરાતા હશે. બસ, બસ આપણે પહોંચી ગયા છીએ ગ્રેજ્યુએટ વડાપાઉંના સ્ટોલ પર. છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ વધુ સમયથી કોલેજ સ્ટુડન્ટ, આસપાસમાં આવેલી ઓફિસ કર્મચારીઓ અને રહેવાસીઓની જાન છે આ ગ્રેજ્યુએટ વડાપાઉં. વર્ષો પહેલાં રમેશભાઉ પવાર સાતારાથી મુંબઈ આવ્યા અને તેમણે અહીં જ એક વડાપાઉંનો સ્ટોલ ચાલુ કર્યો અને નામ રાખ્યું ગ્રેજ્યુએટ વડાપાઉં. જેવું નામ નોખું છે એવો જ આ વડાપાઉંનો ટેસ્ટ પણ અલગ છે. ગરમાગરમ તળાયેલા વડાપાઉં ગ્રાહકોને તેમની પસંદગીની ચટણી સાથે પીરસવામાં આવે છે. પવાર ફેમિલીનો ફેમિલી બિઝનેસ બની ગયો છે આ ગ્રેજ્યુએટ વડાપાઉં.
અમુલ બટર વડાપાઉં, ખાઉગલી
સીએસએમટીથી સીધા નીકળો એટલે દસ મિનિટના અંતરે આવેલી છે આપણું આ ત્રીજું ડેસ્ટિનેશન ખાઉગલી. દરેક ખાઉગલી આમ તો સ્પેશિયલ જ હોય છે, પણ આ ખાઉગલીની ઓળખ છે અહીં મળનારા અમુલ બટર વડાપાઉં. નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને બોસ? હજી તો અમૂલ બટર વડાપાઉંની વાત તો કરવાની બાકી જ છે. લોખંડના તપાવેલા તવા પર મોટો ચમચો અમૂલ બટર અને એક ખાસ પ્રકારનો લાલ મસાલો નાખીને તેમાં પાઉં શેકીને એ પાઉંમાં વડો નાખવામાં આવે છે. આ મસાલાવાળા પાઉં, તેમાં વડો અને ઉપરથી લીલી ખાટી ચટણી અને હા કોપરાની ચટણી તો સાવ બોનસમાં જ. ફોર્ટ અને આસપાસમાં આવેલી ઓફિસોમાં બધાનો જ પસંદગીનો નાસ્તો બની ચૂક્યો છે આ અમૂલ બટર વડાપાઉં. એક વખત આ વડાપાઉં ચાખશો ને તો ઉંગલિયા ચાટતે રહે જાઓગે….
આરામ વડાપાઉં, સીએસએમટી
મુંબઈની ઓળખ સમાન અને ટીવી સિરિયલ્સ કે પછી ફિલ્મોમાં મુંબઈ બતાવવા માટે જે સીએસએમટીની બિલ્ડિંગ દેખાડવામાં આવે છે એની સામે જ આવેલો છે આરામ ચા વડાપાઉં. આરામચા વડપાઉં પણ આપણે અત્યાર સુધી વાત કરી ચૂક્યા એ વડાપાઉં જેટલા જ ફેમસ છે અને રાજકારણીઓ, ઉદ્યોગપતિ સહિત સેલિબ્રિટીઓ પણ આ વડાપાઉંના દિવાના છે અને ખાસ આરામ ચા વડાપાઉં ખાવા સીએસએમટી સુધી લાંબા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular