(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણપતિ વિસર્જન નિમિત્તે શુક્રવારે પ્રવાસીઓની સુવિધા માટે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં વહેલી સવારથી મોડી રાત સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે, એમ રેલવેએ જણાવ્યું હતું. વિસર્જનને કારણે શહેરમાં સૌથી વધુ લોકોની અવરજવર રહેતી હોવાને કારણે રેલવે પ્રશાસન દ્વારા દરવર્ષે વિશેષ ટ્રેનો દોડાવાય છે, જેના ભાગરૂપે મધ્ય રેલવેની મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં મળીને ૧૦ વિશેષ ટ્રેન દોડાવશે. સીએસએમટીથી કલ્યાણ અને પનવેલ વચ્ચે દોડાવનારી વિશેષ લોકલ તમામ સ્ટેશન પર હોલ્ટ રહેશે.
મેઈન લાઈનમાં કલ્યાણથી રાતના ૧૨.૦૫ વાગ્યાના સુમારે સીએસએમટી માટે ટ્રેનને રવાના કરાશે, જ્યારે થાણેથી રાતના ૧.૦૦ વાગ્યે, થાણેથી રાતના બે વાગ્યાના સુમારે સીએસએમટી રવાના કરાશે, જે ટ્રેન અનુક્રમે સીએસએમટીમાં રાતના બે અને ત્રણ વાગ્યે પહોંચશે. એ જ પ્રકારે ડાઉન લાઈનમાં સીએસએમટીથી રાતના ૧.૪૦ કલ્યાણ, ૨.૩૦ થાણે અને ૩.૨૫ વાગ્યે કલ્યાણ માટે ટ્રેન રવાના કરવામાં આવશે. હાર્બર અપ લાઈનમાં પનવેલથી રાતના એક વાગ્યે અને ૧.૪૫ વાગ્યે સીએસએમટી માટે ટ્રેનને રવાના કરવામાં આવશે, જ્યારે ડાઉન લાઈનમાં સીએસએમટીથી રાતના ૧.૩૦ વાગ્યે અને ૨.૪૫ વાગ્યે પનવેલ માટે ટ્રેનને રવાના કરવામાં આવશે, એમ મધ્ય રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
ચર્ચગેટથી વિરાર વચ્ચે આઠ વિશેષ લોકલ
ગણપતિ વિસર્જન નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે ચર્ચગેટથી વિરાર વચ્ચે અપ એન્ડ ડાઉન લાઈનમાં વિશેષ સ્લો ટ્રેનો દોડાવવામાં આવશે. શુક્રવારે ચર્ચગેટથી ડાઉન લાઈનમાં રાતના ૧.૧૫ વાગ્યે, ૧.૫૫, ૨.૨૫ અને ૩.૨૦ વાગ્યે વિશેષ ટ્રેનને વિરાર સ્ટેશન માટે રવાના કરવામાં આવશે, જ્યારે વિરારથી અપ લાઈનમાં રાતના ૧૨.૧૫, ૧૨.૪૫, ૧.૪૦ અને ૩.૦૦ વાગ્યે ચર્ચગેટ માટે ટ્રેનને રવાના કરવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

Google search engine