સ્મશાનભૂમિમાં લાકડા પૂરા પાડવા મુંબઈ BMC કરશે આ કામ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બે વર્ષ માટે પોતાની માલિકીના અને ખાનગી સ્મશાનભૂમિ માટે લાકડાનો પુરવઠો કરવા માટે ટેન્ડર મગાવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના મોટાભાગના હિંદુ સ્મશાનભૂમિ પીએનજી અને ઈલેક્ટ્રોનિક આધારિત કરવામાં આવ્યાં છે, છતાં પ્રત્યક્ષમાં હજી પણ લોકો પરંપરાગત રીતે તેમના સંબંધીઓને અંતિમ સંસ્કાર આપવાનું પસંદ કરે છે. તેથી સ્મશાનભૂમિમાં લાકડાની માગણી વધી રહી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ બે વર્ષ માટે પોતાની માલિકી તથા ખાનગી સ્મશાનભૂમિ માટે લાકડા પૂરા પાડવા માટે ટેન્ડર બહાર પાડયા છે. બે વર્ષ માટે ચાર લાખ ક્વિન્ટલથી વધુ લાકડાનો પુરવઠો કરવામાં આવવાનો છે. શહેર અને ઉપનગરમાં મુંબઈ મહાનગરપાલિકાના અને ખાનગી એમ કુલ ૪૯ હિંદુ સ્મશાનભૂમિ છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી આ સ્મશાનભૂમિમાં મફતમાં લાકડાનો પુરવઠો કરવામાં આવે છે.

મહાનગરપાલિકાના સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિક ભઠ્ઠી પીએનજી (પાઈપ નેચરલ ગૅસ)માં પરાવર્તિત કરવાનું કામ ચાલી રહ્યું છે. તેમ જ તમામ સ્મશાનભૂમિમાં પીએનજી ભઠ્ઠી બેસાડવામાં આવવાની છે. તે માટે મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેથી હવેથી પાર્થિવ શરીરનું દહન ઈલેક્ટ્રિકને બદલે ગૅસ પર આધારિત ભઠ્ઠી પર કરવામાં આવશે. તેથી વીજળીની બચત થશે અને પર્યાવરણનું પણ જતન કરી શકાશે એવો પાલિકાનો દાવો છે.

આજે પણ અનેક લોકો અંતિમ સંસ્કાર માટે લાકડાની ચિતા પર પસંદગી ઉતારે છે. તેથી સાર્વજનિક આરોગ્ય વિભાગે ૪૯ સ્મશાનભૂમિ માટે ૪,૩૧,૫૩૨ ક્વિટંલ લાકડા પુરવઠા માટે ટેન્ડર બહાર પાડ્યા છે, તે માટે કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે.

હિંદુ સ્મશાનભૂમિમાં લાકડાનો મફત પુરવઠો કરવામાં આવે છે. લગભગ ૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના દરે પ્રતિ મૃતદેહના દહન માટે ૨,૩૪૯ રૂપિયાની કિંમતના ૩૦૦ કિલો લાકડા મફતમાં પૂરા પાડવામાં આવે છે. આટલું લાકડું એ સામાન્ય રીતે બે ઝાડમાંથી મળે છે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની સ્મશાનભૂમિમાં પારંપારિક દહન સ્મશાનભૂમી, વિદ્યુત સ્મશાનભૂમિ અને પીએનજી આધારિત સ્મશાનભૂમિનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.