Homeઆમચી મુંબઈકોઈ પણ જાતના કરવેરા નહીં વધારતું પુરાંતવાળું બજેટ આરોગ્ય બજેટમાં 9%નો ઘટાડો...

કોઈ પણ જાતના કરવેરા નહીં વધારતું પુરાંતવાળું બજેટ આરોગ્ય બજેટમાં 9%નો ઘટાડો પહેલી વખત મહેસૂલ ખર્ચ કરતા મૂડી ખર્ચ વધુ

કોઈ પણ જાતના કરવેરા નહીં વધારતું પુરાંતવાળું બજેટ ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં 14.52 %નો વધારો
આરોગ્ય બજેટમાં 9%નો ઘટાડો પહેલી વખત મહેસૂલ ખર્ચ કરતા મૂડી ખર્ચ વધુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું આર્થિક વર્ષ 2023-24નું 52,619.07 કરોડ રૂપિયાનું બજેટ શનિવારે કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલસિંહ ચહલે રજૂ કર્યું હતું. કોઈ પણ જાતના કરવેરા નહીં વધારતા તથા નવી કોઈ યોજના જાહેર નહીં કરતા જૂના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને જ આગળ વધારતા 65.33 કરોડ રૂપિયાની પુરાંતવાળા આ બજેટમાં રાજ્ય સરકારની છાપ જોવા મળી હતી. ચાલુ આર્થિક વર્ષમાં મહેસૂલ ઓછું જમા થયું હોવાથી ખર્ચાને પહોંચી વળવા આ વર્ષે પણ પાલિકા પોતાના રિર્ઝવ ફંડ તથા ઈન્ટરનલ ટેમ્પરરી ટ્રાન્સફરમાંથી જ લગભગ રૂ.18,000 કરોડ ઉપાડવાની છે.
પાલિકામાં નગરસેવકોની મુદ્દત 7મી માર્ચ, 2022ના પુરી થવાથી 8મી માર્ચથી પ્રશાસક નીમાયેલા ઈકબાલસિંહ ચહેલ પ્રશાસક તરીકે પહેલી વખત બજેટ રજૂ કર્યું હતું. આ અગાઉ એપ્રિલ 1984માં સુખટંકરને પ્રથમ વહીવટદાર તરીકે અને ત્યારબાદ 12 નવેમ્બર 1984થી 9 મે, 1985ના સમયગાળામાં જે. જી. કંગાએ એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કર્યું હતું. તેના લગભગ 38 વર્ષ બાદ ઇકબાલસિંહ ચહલના વહીવટી શાસનમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
ઇકબાલસિંહ ચહલે 2023-24ના આર્થિક વર્ષ માટે રજૂ કરેલું 52,619.07 કરોડનું બજેટ ગયા વર્ષના બજેટની સરખામણીએ 14.52 ટકા વધુ છે. 2022-23માં 45,949.21
કરોડ રૂપિયાનું બજેટ હતું. પાલિકાના ઈતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ હોવા છતાં આ વખતે શિક્ષણ બજેટમાં મોટો કાપ મુકીને શિક્ષણ માટે ફક્ત 3,347 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષે આ રકમ 3,370 કરોડ રૂપિયા હતી. આ વખતે આરોગ્ય માટે 6309.38 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે કુલ બજેટના લગભગ 12 ટકા છે. જોકે કોવિડ નિયંત્રણ આવી ગયો હોવાથી હેલ્થ બજેટમાં લગભગ નવ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
બજેટની સૌથી મોટી વાત એ છે કે મુંબઈગરાઓ પર કોઈ વધારાનો ટૅક્સ ઠોપવામાં આવ્યો નથી કે પછી કોઈ જૂના ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. કમિશનર ઈકબાલસિંહે કહ્યું હતું કે કોવિડને કારણે પ્રોપર્ટી ટૅક્સની વસૂલીમાં ઘટાડો થયો છે. છતાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પ્રોપર્ટી ટૅક્સમાં હજી એક વર્ષ સુધી કોઈ વધારો કરવામાં આવવાનો નથી. બજેટમાં પાયાભૂત સુવિધા પર મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવવાનો છે. એટલે કે 52 ટકા વિકાસ પર ખર્ચાશે તો બાકીનો 48 ટકા અન્ય બાબતો પર ખર્ચાશે. પહેલી વખત પાયાભૂત સુવિધા માટે 50 ટકાથી વધુ રકમ ખર્ચવામાં આવવાની છે.
કોવિડને કારણે પાલિકાની આવકમાં જુદા જુદા સ્તરે ઘટાડો થયો છે. તેની સામે જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ હાથ ધર્યા છે. તેથી તમામ ખર્ચને પહોંચી વળવા માટે પાલિકા ગયા વર્ષની માફક આ વર્ષે ઈંટરનલ ટેમ્પરરી ટ્રાન્સફર (આઈટીટી)માંથી 5,970 કરોડ રૂપિયા અને પોતાના રિઝર્વ ફંડમાંથી 17,776.09 કરોડ રૂપિયાની રકમ ઉપાડશે. તેમ જ પોતાની આવશ્યકતા મુજબ ફિક્સ ડિપોઝિટમાંથી પણ રકમ ઉઠાવવાની છે.
પહેલી વખત પાલિકાએ મુંબઈમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દોઢ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે હેઠળ મુંબઈમાં પાંચ જગ્યાએ ઍર પ્યૂરીફાયર પણ બેસાડવામાં આવવાના છે. તો મુંબઈ સ્વચ્છ હવા ઉપક્રમ અંગતર્ગત સાત યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે.
તો આ વર્ષે ખાસ ફૂટપાથ માટે જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈની ફૂટપાથ ચાલવા યોગ્ય બનાવવાની સાથે જ મુંબઈમાં તમામ મહત્ત્વના રસ્તા જે નવ મીટરથી પહોળા છે ત્યાં ફૂટપાથ બનાવશે અને જ્યાં ફૂટપાથની હાલત ખરાબ છે ત્યાં સિમેન્ટ-કૉંક્રીટની ફૂટપાથ બનાવામાં આવવાની છે. તે માટે પાલિકાએ લગભગ 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
કોસ્ટલ રોડ, ગોરેગાંવ-મુલુંડ લિકં રોડ, વોટર સિવરેજ ટનલ, મીઠી રીવર પ્રોજેક્ટ, નદીને પુન:જીવિત કરવા, આશ્રય યોજના, હૉસ્પિટલના બાંધકામ અને સમારકામ, સહિતના મહત્વના ઈન્ફ્રાસ્ટકચર પ્રોજેકટ માટે બજેટમાં 27,247.80 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. મુંબઈના સૌંદર્યીકરણ પાછળ લગભગ 1,729 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ટ્રાફિક ઓપેશન, રસ્તા પાછળ 2,825 કરોડ રૂપિયા, સ્ટ્રોમ વોટર ડ્રેન માટે 2570.65 કરોડ રૂપિયા, શહેરમાં પુલ માટે 2,100 કરોડ રૂપિયા, મલનિસારણ પ્રોજેક્ટ પાછળ 1,434 કરોડ રૂપિયા વગેરે ખર્ચવામાં આવવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular