BMC દવાખાના પર ભૂમાફિયાઓનો ડોળો
મુંબઈ: મુંબઈમાં જગ્યાના ભાવ આસમાને હોઇ ભૂમાફિયાઓએ ફરી સક્રિય થઇ ગયા છે. મુંબઈની સરકારી જમીન પર હંમેશાં ભૂમાફિયાનો ડોળો રહ્યો છે. ખુલ્લી જમીન પર જ નહીં હવે સીધો પાલિકાના દવાખાનામાં ઘૂસીને ભૂમાફિયાઓએ જગ્યા હડપવાનો પ્રયાસ કર્યો છે. આવો જ એક બનાવ પવઈ ખાતે તુંગા વિલેજમાં બન્યો હતો. જોકે પાલિકાના અધિકારીઓએ સંપૂર્ણ તાકાત વાપરીને ભૂમાફિયાઓનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો.
પવઈના તુંગા ગામમાં રોડને અડીને આવેલી જમીન પર હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ક્લિનિક ઊભું કર્યું છે. જોકે આ ક્લિનિકની જગ્યા પર અમુક વ્યક્તિઓએ દાવો કર્યો હતો અને આ પ્રકરણ કોર્ટમાં હોવાનું તેઓ દ્વારા કહેવામાં આવતું હતું. આથી તેઓએ તેમના બાઉન્સર્સને ક્લિનિકમાં ઘુસાડ્યા હતા.
નવમી ડિસેમ્બરે ક્લિનિકનું ઉદ્ઘાટન થવાનું હતું, પણ ગેટ પર બાઉન્સરોએ તાળાં માર્યાં હોવાથી ક્લિનિકનું ઉદ્ઘાટન થઇ શક્યું નહીં. આ બાબતે પાલિકાના એલ વિભાગે ફરિયાદ નોંધીને પવઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે પોલીસે પાલિકાને સહાય ન કરતાં પાલિકા એ તાબો મેળવી શકી નહોતી. મંગળવારે ઠાકરે જૂથ દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું હતું અને તાળાં તોડી નાખવામાં આવશે, એવો સંકેત આપવામાં આવ્યો હતો. બુધવારે પાલિકાના કર્મચારીઓએ જાતે અહીં બાઉન્સરોને ભગાવીને તાળાં તોડીને જગ્યાનો તાબો મેળવ્યો હતો.
મુંબઈ પાલિકાના એલ વિભાગે બુધવારે પોતાના ક્લિનિક અને તેમની જગ્યા પર તાબો તો મેળવી લીધો, પણ મુંબઈમાં આવી અનેક સરકારી જમીન હડપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમુક ઠેકાણે જમીન હડપી લેવામાં આવી છે તો અમુક ઠેકાણે પ્રશાસન આવી તાકાત વાપરીને જગ્યા પાછી મેળવશે કે કેમ એવો સલાલ પણ ઊભો થયો છે.