(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને ૮ ડિસેમ્બરના ૮૫ વર્ષ પૂરા થયા છે. ૮ ડિસેમ્બર, ૧૯૩૭ના મુંબઈમાં ડબલડેકર બસ ચાલુ કરવામાં આવી હતી. મુંબઈગરાની માનીતી ડબલડેકર ગુરુવારે ૮૫ વર્ષ પૂરા કર્યા છે ત્યારે બહુ જલદી આ ડબલડેકર બસનો કાયાપલટ થવાનો છે અને બેસ્ટના કાફલામાં ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિકટ ડબલડેકર બસ દાખલ થવાની છે.
મુંબઈમાં વર્ષો સુધી અનેક રૂટ પર ડબલડેકર બસ દોડતી હતી. હાલ જોકે અમુક ગણ્યાંગાંઠ્યા રૂટ પર જ ડબલડેકર બસની સેવા બચી છે. આવતા વર્ષથી ડબલડેકર તેના નવા રૂપરંગ સાથે મુંબઈગરાની સેવામાં દાખલ થવાની છે. ૧૪ જાન્યુઆરી, મકરસક્રાંતિના ૫૦ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસની સુવિધા મળવાની છે.
જાન્યુઆરી, ૨૦૨૩માં બેસ્ટના કાફલામાં ૫૦ એસી ડબલડેકર બસ આવ્યા બાદ ધીમેધીમે તેની સંખ્યા ૯૦૦ સુધી કરવાની યોજના છે. નવી ડબલડેકર બસના આગમન સાથે જ જૂની ડબલડેકર બસને ભંગારમાં કાઢવામાં આવવાની છે. આ નવી બસના કારણે બેસ્ટની બસમાં પ્રવાસીની ક્ષમતા વધશે અને સાથે જ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. બેસ્ટ ઉપક્રમને થનારા ડિઝલ ખર્ચમાં પણ ઘટાડો થશે.
આ નવી ડબલડેકર ઈ-બસમાં પ્રવાસીઓને ચઢવા માટે બે દાદરા હશે. જૂની બસમાં ફક્ત એક જ જગ્યાએ દાદરા હતા. નવી બસમાં ડિજિટલ બસની સગવડ હશે. પ્રવાસીઓની સુરક્ષા માટે સીસીટીવી હશે. આ નવી ડબલડેકર બસમાં ઓટોમેટિક ગીયર હશે. બે ઓટોમેટિક દરવાજા હશે.