(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બસમાંથી ઉતરવાની સાથે જ ઈચ્છિત સ્થળે જવા માટે પર્યાયી ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવાને ઈરાદે બેસ્ટ ઉપક્રમે જૂન, ૨૦૨૨થી મુંબઈના અમુક બસ રૂટ પર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સર્વિસ ચાલુ કરી છે. હાલ ૭૦૦ ઈ-ટુ વ્હીલર સેવામાં હોઈ બહુ જલદી આ આંકડો એક હજાર સુધી પહોંચાડવાનો ઈરાદો બેસ્ટ ઉપક્રમનો છે. આગામી બે મહિનામાં તબક્કાવાર ઈ-ટુ વ્હીલરની સંખ્યા વધારવાનો લક્ષ્યાંક બેસ્ટ ઉપક્રમે રાખ્યો છે.
બેસ્ટના પ્રવાસીઓની સંખ્યા વધે અને આવકમાં વધારો થાય તે માટે બેસ્ટ ઉપક્રમે પ્રાયોગિક ધોરણે અમુક નક્કી કરેલા બસ સ્ટોપ પર ઈલેક્ટ્રિક પર દોડનારી ટુ-વ્હીલર ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો હતો. અંધેરીમાં ૪૦ ઠેકાણે પ્રાયોગિક ધોરણે ટુ-વ્હીલર સેવા ચાલુ કરવામાં આવી હતી, તેને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે ટુ વ્હીલર સેવાને વિસ્તારીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ અંધેરી, વિલેપાર્લે, ખાર, સાંતાક્રુઝ, જુહૂ, બાંદ્રા, માહિમ, દાદર આ વિસ્તારમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. મુંબઈના મુખ્ય બસ સ્ટોપ, કમર્શિયલ ઍરિયા, રહેણાંક ઍરિયા વગેરેને જોડવાનો બેસ્ટ ઉપક્રમ પ્રયાસ કરી રહી છે.
આ ટુ વ્હીલરની સ્પીડ પ્રતિ કલાકે ૨૫ કિલોમીટરની છે. પ્રતિ ત્રણ કિલોમીટરનો પ્રવાસ અને મૂળ ભાડું ૨૦ રૂપિયા અને ત્યાર બાદ દોઢ રૂપિયા પ્રતિ મિનિટ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ ‘વોગો’ ઍપ પર નોંધણી કરીને આ ટુ વ્હીલર સેવાનો લાભ લઈ શકાય છે. ઈલેક્ટ્રિક પર દોડનારી આ ટુ વ્હીલરને સારો પ્રતિસાદ મળી રહ્યો હોઈ આગામી દિવસોમાં તેની સંખ્યા વધારવામાં આવી રહી છે.