મુંબઈઃ મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનની શરૂઆતના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અંડરગ્રાઉન્ડ ટર્મિનલ સ્ટેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટેનું મહારાષ્ટ્રનું આ પહેલું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેનનું ગુજરાતનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને મહારાષ્ટ્રમાં ભૂસંપાદન રખડી પડ્યું હતું. હવે બીકેસીના 4.85 હેક્ટર જગ્યા પર 3,681 કરોડ રૂપિયાના ખર્ચે 54 મહિનાની અંદર બુલેટ ટ્રેનના શરૂઆતના અંડરગ્રાઉન્ડ ટર્મિનલ સ્ટેશનનું બાંધકામ થવાનું છે. બુલેટ ટ્રેન પ્રકલ્પને રેલવે બજેટમાં હાલમાં જ 19,952 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
મુંબઈથી અમદાબાદ એમ બંને રાજ્યના મહત્ત્વના સ્ટેશનને જોડનારા 508 કિલોમીટર લંબાઈના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે દર કલાકે 350 કિલોમીટરની સ્પીડથી ત્રણ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે. મેસર્સ એમઈઆઈએલ-એચસીસીના જોઈન્ટ વેન્ચરે આ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. મે. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અને મે. હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિ.એ એક સાથે મળીને આ સ્ટેશન બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 54 મહિના એટલે કે પાંચ વર્ષમાં અંડરગ્રાઉન્ડ ટર્મિનલ બાંધવામાં આવશે.
બુલેટ ટ્રેનના સી-1 પેકેજમાં કટ એન્ડ કવ્હર પદ્ધતિનું 467 મીટર લંબાઈનું બાંધકામ કરવામાં આવશે, જ્યારે વેન્ટિલેશન શાફ્ટ માટે 66 મીટરનું બાંધકામ કરવામાં આવશે. ટનલ બોઅરિંગ મશીન બહાર કાઢવા માટે આ શાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. પેકેજ-2માં સમુદ્ર નીચેના સાત કિલોમીટર સહિત કુલ 21 કિમી લંબાઈની ટનલનું કામ કરવામાં આવશે. આ કામ માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે. દરમિયાન રેલવે મંત્રાલયે આ રૂટ પરના મુંબઈના ચાર સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં બીકેસીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની ડિઝાઈન સમુદ્રના મોજાની થીમ પર આધારિત છે.
આ ટ્રેનના રૂટ પર કુલ 12 સ્ટેશન ઊભા કરવામાં આવવાના હોઈ, તેમાંથી 8 સ્ટેશન ગુજરાતમાં જ્યારે ચાર સ્ટેશન મુંબઈમાં આવશે. સાબરમતી, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સૂરત, બિલિમોરા, વાપી એમ આઠ સ્ટેશન ગુજરાતમાં જ્યારે બોઈસર, વિરાર, થાણે અને બીકેસી એમ ચાર સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે.