(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગે (બેસ્ટ) હવે મુંબઈના રસ્તા ઈલેક્ટ્રિક ટૅક્સી દોડાવવાનો નિર્ણય લીધો છે. ૫૦૦ ઈલેક્ટ્રિક ટેક્સીની સાથે જ બેસ્ટ મુંબઈના રસ્તા પર ૫,૦૦૦ ઈલેક્ટ્રિક સ્કૂટર પણ દોડાવવાની છે. આવતા વર્ષના જૂન મહિના સુધીમાં ઈલેક્ટ્રિક ટૅક્સી અને ઈલેક્ટ્રિક સ્કૂટર દોડતા થઈ જશે.
બેસ્ટ ઉપક્રમ દ્વારા બસની સુવિધાની ગુણવત્તામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ઈ-બસ, ઈ-ડબલ ડેકર બસની સાથે જ હવે બહુ જલદી બેસ્ટ ઈલેક્ટ્રિક ટૅક્સી પણ દોડાવવાની છે. એ સાથેે જ બેસ્ટ દ્વારા પૂર્વીય દરિયાકિનારા પર વોટર ટૅક્સી પણ ચાલુ કરવામાં આવવાની છે. તે માટે વાતચીત ચાલી રહી છે.
બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાના જણાવ્યા પ્રમાણે આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ૨,૧૦૦ સિંગલ ડેકર બસ અને ૯૦૦ ઈ-ડબલ ડેકર બસની મદદથી બેસ્ટની બસમાં ૪૫ લાખ લોકો પ્રવાસ કરે તેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
વધુમાં લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે ગીચ વિસ્તારમાં હોય તે પણ દૂર આવેલા હોય તે માટે પર્યાયી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આવશ્યક છે. ભૂતકાળમાં બેસ્ટે મનોરી અને માર્વે બીચ વચ્ચે ફેરી સેવા દોડાવી છે. તેથી બેસ્ટ માટે વોટર ટ્રાન્સ્પોર્ટેશન સિસ્ટમ કોઈ નવી વાત નથી. તેથી જ બેસ્ટ દ્વારા પૂર્વીય દરિયાઈ કિનારાની જેટ્ટી પરથી બેલાપુર, જેએનપીટી, ઉરણ સહિત અન્ય જગ્યાએ વોટર ટૅક્સી દોડાવવાની છે. તે માટે મહારાષ્ટ્ર મરીનટાઈમ બોર્ડ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને શિપિંગ મિનિસ્ટ્રીએ વોટર ટેક્સી દોડાવવા માટે બેસ્ટનો સંપર્ક સાધ્યો છે. બહુ જલદી તેના પર નિર્ણય લેવાશે.
મુંબઈના રસ્તા પર હાલ કાલી-પીલી અને અમુક ઍપ સંચાલિત ટૅક્સીઓ દોડી રહી છે. હવે બેસ્ટ પણ ટૅક્સી દોડાવવાનું છે. બેસ્ટ દ્વારા ઈ-ટૅક્સી દોડાવવાની યોજના છે. ઈ-ટૅક્સી બસ સ્ટોપની પાસે ઊભી હશે અને ‘શેર કેબ’ તરીકે દોડશે. આ ઈ-ટૅક્સી પર બેસ્ટનો લોગો પણ હશે. બેસ્ટ ખાનગી ઓપરેટર સાથે ટાઈ-અપ કરશે.
મુંબઈના રસ્તા પર દોડશે ૫,૦૦૦ ઈ-સ્કૂટર
RELATED ARTICLES