‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’: Central railwayના મુંબઈ ડિવિઝનનાં ૨૦ સ્ટેશન સમાવિષ્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

‘વોકલ ફોર લોકલ’ માટે CSMT, પરેલ, દાદર સહિત ઘાટકોપર સ્ટેશનનો સમાવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રેલવે મંત્રાલયની ‘વન સ્ટેશન વન પ્રોડ્ક્ટ’ સ્કીમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મધ્ય રેલવે ઝોનના પચાસ તથા મુંબઈ ડિવિઝનનાં ૨૦ રેલવે સ્ટેશનને સમાવી લેવામાં આવશે. મુંબઈ ડિવિઝનના ૨૦ રેલવે સ્ટેશન પૈકી મહત્ત્વનાં સ્ટેશનમાં સીએસએમટી, પરેલ, દાદર, સાયન, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, નાહુર, થાણે, કલ્યાણ, કર્જત, લોનાવલા, ઈગતપુરી અને ચેમ્બુર સ્ટેશન છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. વન સ્ટેશન વન પ્રોડ્કટ સ્કીમ માટે ખાસ કરીને વોકલ ફોર લોકલના ક્ધસેપ્ટને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, જ્યારે રેલવે સ્ટેશનના પરિસરમાં સ્ટોલ નાખવાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે.
સ્ટેશનના પરિસરમાં સ્ટોલ નાખવા સાથે રેલવેના અધિકારી સાથે વિવિધ સંકલનની કામગીરી માટે જિલ્લા વહીવટી પ્રશાસનની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા, ખાદી વિલેજ સંસ્થા, હેન્ડલૂમ હાઉસ, ફેરિયા સાથે વાટાઘાટ ચાલી રહી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ભુસાવળ ડિવિઝનનાં ૧૦, જ્યારે અન્ય ત્રણ ડિવિઝન નાગપુર, સોલાપુર અને પુણે ડિવિઝનમાંથી નવ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. પુણે ડિવિઝનનાં નવ સ્ટેશન પૈકી પુણે, શિવાજી નગર, પિંપરી, કોલ્હાપુર, મિરાજ, સાંગલી, સાતારા અને હાતકણંગલેનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ‘વન પ્રોડક્ટ વન સ્ટેશન’ યોજના અન્વયે પશ્ર્ચિમ રેલવેમાં રાજકોટ, ભાવનગર, વડોદરા સહિત બાંદ્રા ટર્મિનસની પસંદગી કરવામાં આવી છે. મુંબઈ ડિવિઝનમાં પણ ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ સહિત અન્ય સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

૪૩.૩૩ લાખ રૂપિયાની આવક
ભારતીય રેલવે દ્વારા વોકલ ફોર લોકલ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તમામ ઝોનમાં વન સ્ટેશન વન પ્રોડ્કટ યોજના ચાલુ કરવામાં આવી છે, જેમાં વિવિધ ઝોનમાં મળીને કુલ ૩૫,૫૦૦થી વધુ વસ્તુનું વેચાણ થયું છે, જ્યારે કુલ રૂપિયા ૪૩.૩૩ લાખની આવક થઈ છે. અલબત્ત, આત્મનિર્ભર યોજના અન્વયે દેશના સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન અને વન પ્રોડ્કટ યોજના હાથ ધરવામાં આવી છે, એમ રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.