(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ અને થાણેના અમુક વિસ્તારોમાં ૨૦ જાન્યુઆરીથી અમુક દિવસો સુધી શુદ્ધીકરણ પ્રક્રિયા નહીં કરેલો પાણીનો પુરવઠો મળશેે. તેથી મુલુંડ અને થાણેના અમુક વિસ્તારોમાં દૂષિત પાણી પુરવઠો મળે એવું હોવાથી નાગરિકોને પાણી ઉકાળીને અને ગાળીને પીવાની સલાહ મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.
થાણે જિલ્લામાંથી જળ શુદ્ધીકરણ કરવા માટે પાણી લાવનારી અંડરગ્રાઉન્ડ ટનલને બોરવેલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નુકસાન થયું છે. શુક્રવાર ૨૦ જાન્યુઆરીથી આ વોટર ટનલનું સામરકામ ચાલુ કરવામાં આવ્યું છે, જે આગામી દિવસો સુધી ચાલવાનું છે.
પાલિકાના પાણી પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ થાણે જિલ્લામાંથી વોટર ટનલ મારફત મુંબઈ લાવવામાં આવતા પાણીને પહેલા ભાંડુપ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ આવવામાં આવે છે. જોકે થાણે ડિવિઝનમાં બોરવેલના ખોદકામ દરમિયાન જળ શુુદ્ધીકરણ માટે પાણીનુંં વહન કરતી અંડર ગ્રાઉન્ડ ટનલને નુકસાન થયું છે. આ પાણીની ટનલને સમારકામ માટે ૨૦ જાન્યુઆરીથી બંધ કરવામાં આવી છે. આ કારણથી ભાંડુપ કોમ્પ્લેક્સમાં પાણી પહોંચાડવા માટે જૂની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવવાનો છે.
તેથી મુલુંડના વીણા નગર, વૈશાલી નગર, સ્વપ્નનગરી, યોગી હિલ્સ, મુલુંડ (પશ્ર્ચિમ)માં તાંબે નગર, ચેકનાકા અને થાણેના કિસાન નગરમાં શુક્રવારથી આગામી સૂચના સુધી પ્રક્રિયા કર્યા વગરનોે પાણી પુરવઠો થવાનો છે. તેથી આ વિસ્તારના નાગરિકો પાણીને ઉકાળીને, ફિલ્ટર કરીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.