સ્વતંત્રતા દિવસની સંધ્યાએ ભારે વરસાદને કારણે મુલુંડ ઈસ્ટમાં આવેલી મોતી છાયા ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના નોંધાઇ હતી. આ દુર્ઘટનામાં બે વરિષ્ઠ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ વિભાગ દ્વારા આ વર્ષની શરૂઆતમાં આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ પણ આપવામાં આવી હતી અને આ જર્જરિત માળખું ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા પણ વ્યકત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં બે વરિષ્ઠ નાગરિકો દેવશંકર નાથાલાલ શુક્લ (93 વર્ષ) અને 87 વર્ષીય આરકીબેન દેવશંકર શુક્લનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ નવઘર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર તેમના સાથીદારો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ કરી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અન્ય કોણ ઘાયલ થયું? તેની તપાસ ચાલુ કરી હતી, પણ તૂટી પડેલા ઘરમાં બે જ જણ રહેતા હતા. ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું. ઘટનામાં મદદ માટે ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા. તેમની મદદથી ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ માટીના ઢગલા નીચે ફસાયેલા બંને મૃતદેહને બહાર કાઢ્યા હતા.
સ્વજનો આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, એવી માહિતી મળી છે.
ઘટનાસ્થળે હાજર રહેલા આ વિસ્તારના ભુતપૂર્વ કોર્પોરેટર પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું કે મૃત દંપતી બિલ્ડિંગમાં એકલા રહેતા હતા. “બિલ્ડીંગમાં ઓછામાં ઓછા પાંચ પરિવારો ભાડુઆત તરીકે રહે છે. મૃત્યુ પામેલા દંપતી એકલા રહેતા હતા અને નજીકમાં રહેતા તેમના સંબંધીઓ તેમને દિવસમાં બે વખત ભોજન મોકલતા હતા. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં અન્ય કોઇ હાજર નહોતું.”

Google search engine