નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ હવેથી બદલાઈ ગયું છે, અને હવે મુઘલ ગાર્ડન અમૃત ઉદ્યાનના નામે ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનું આ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આ ગાર્ડન જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે.
અહીં 138 પ્રકારના ગુલાબ, 10 હજારથી વધુ ટ્યુલિપ્સ બલ્બ, 70 અલગ અલગ પ્રજાતિના લગભગ 5000 જેટલા મૌસમી ફૂલો જોવા મળે છે. આ ગાર્ડનને દેશના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું અને ત્યારથી લઈને દર વર્ષે અહીં સ્પ્રિંગ સિઝનમાં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. 15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનનું નિર્માણ બ્રિટીશ શાસનકાળમાં કરવામાં આવ્યું હતું અને તેને ડિઝાઈન કર્યું હતું આર્કિટેક્ટ સર એડવર્ડ લુટિયન્સે. એવી કહેવત છે કે મુઘલ ગાર્ડન એ રાષ્ટ્રપતિ ભવનનો આત્મા છે.
આ ગાર્ડનનો એક ખાસ હિસ્સો માત્ર ગુલાબની અલગ અલગ પ્રજાતિઓ માટે પ્રખ્યાત છે. તમારી જાણ માટે આ ગાર્ડનને 12 અલગ અલગ હિસ્સામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં રોઝ ગાર્ડનની સાથે સાથે બાયો ડાયવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, મ્યુઝિકલ ફાઉન્ટન, સનકીન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રિશિયન ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્કનો સમાવેશ થાય છે. એવા આ પ્રખ્યાત આ ગાર્ડનનું નામ હવે બદલીને અમૃત બાગ કરી દેવામાં આવ્યું છે.