સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક કાદવ બહાર આવતા જાણે કાદવનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવું જણાતું હતું. વિઠ્ઠલ નગર સોસાયટીમાં પાણી અને ગટરની લાઈનમાંથી કાદવ બહાર આવવા લાગતા આખી સોસાયટીમાં કાદવ ફળી વળ્યો હતો. આ આખી ઘટના મેટ્રોની કામગીરીના કારણે બની હોવાની જાણ થતા મેટ્રોના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈ જૂની અંડરગ્રાઉન્ડ લાઈન આવી ગઈ હોવાની શક્યતા છે. જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
સુરતમાં વરાછાના વિઠ્ઠલ નગર ખાતે મકાનોમાં એકાએક જ્યારે પાણીની પાઇપલાઇનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થયો ત્યારે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોત જોતાની અંદર પ્રેશર ખૂબ જ જોરમાં આવતા લોકોએ ઘરની બહાર આવીને આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ની સાથે જ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના સભ્યો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમને વાતચીત કરી અને જે સમસ્યા છે તેની માહિતી આપી હતી, જે મકાનોની અંદર નુકસાન થયું છે તે મકાનની મુલાકાત પણ લીધી હતી અને અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સાથે ભાજપના કોઈ નેતા ન દેખાયા હોવાનું જણાવ્યું હતું.
વિપક્ષના નેતાની વાત માનીએ તો આ મેટ્રો પ્રોજેક્ટની ગંભીર ભૂલ છે. આજે નુકસાન થયું છે તે નુકસાન માટે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘટના સ્થળે કોઈ જવાબદાર અધિકારી અમને મળ્યા નથી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે આટલી સમસ્યા હોવા છતાં સત્તાધારી પક્ષના એકપણ નેતા ફરક્યા નથી.