મુંબઈ: વાહનચાલકોની અવરજવર માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવૅ પર નાગપુર-શિર્ડી રૂટ પર એમએસઆરટીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) સ્લીપર કોચ બસ સર્વિસ શરૂ કરશે.
નવા એક્સપ્રેસવૅ પર નાગપુર અને ઔરંગાબાદ વચ્ચે (વાયા જાલના) પણ સ્લીપર કોચ બસ દોડાવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુર-મુંબઈ એક્સપ્રેસવૅ (પહેલો તબક્કો)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમૃદ્ધિ મહામાર્ગને સત્તાવાર રીતે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ નામ આપવામાં આવ્યું છે.
નાગપુર અને શિર્ડી વચ્ચે બસ બંને તરફથી રાતે નવ વાગ્યે ઊપડશે અને વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ગંતવ્યસ્થાને પહોંચશે. નાગપુર અને ઔરંગાબાદ વચ્ચે બસ બંને તરફથી રાતે ૧૦ વાગ્યે ઊપડશે અને વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ગંતવ્યસ્થાને પહોંચશે. નાગપુર-શિર્ડી સ્લીપર કોચનું એક તરફનું ભાડું પુખ્ત વયના લોકો માટે રૂ. ૧,૩૦૦ અને બાળકો માટે રૂ. ૬૭૦ હશે.
નાગપુર-ઔરંગાબાદ સ્લીપર કોચનું એક તરફનું ભાડું પુખ્ત વયના લોકો માટે રૂ. ૧,૧૦૦, જ્યારે બાળકો માટે રૂ. ૫૭૫ હશે. નાગપુર-જાલનાનું બસભાડું પુખ્ત વયનાઓ માટે રૂ. ૯૪૫ અને બાળકો માટે રૂ. ૫૦૫ હશે. ૭૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો મફત પ્રવાસ કરી શકશે, જ્યારે ૬૫થી ૭૫ વર્ષ વચ્ચેની વયના લોકોને પચાસ ટકા ક્ધસેશન મળશે. (પીટીઆઇ)